200 વર્ષ પહેલા આવેલા ભૂકંપે બદલ્યું હતું સિંધુ નદીનું વહેણ, ત્યારથી કચ્છ બની ગયું છે તરસ્યું

0
2541

કુદરત જયારે કેર વરસાવે છે ત્યારે કોઈની તાકાત નથી કે એને રોકી શકે. અને કુદરત જયારે પોતાનું રૌદ્ર સ્વરૂપ ધારણ કરે ત્યારે ચારેય તરફ તારાજી ફેલાવી દે છે. એવી જ એક વર્ષો જૂની ઘટના વિષે આજે અમે તમને જણાવીશું જેણે ગુજરાતના કચ્છની કાયાપલટ કરી દીધી. વાત છે આજથી 200 વર્ષ પહેલા આવેલા ભૂકંપની. એ ભૂકંપ કંઈ નાનો અમથો ન હતો, પણ તે 8 ની તિવ્રતાનો ભૂકંપ હતો.

એ ઘટના કંઈક આ રીતે બની હતી. 200 વર્ષ પહેલા કચ્છમાં ભુકંપ આવ્યો હતો. અને ભૂકંપ આવ્યાના થોડા જ સમય પછી સમુદ્રએ ઉછાળા ભરવાનું શરુ કરી દીધુ હતુ. જેને લીધે કચ્છ અને એની આસપાસના કોસ્ટલ એરીયામાં ત્સુનામી (સુનામી) આવી ગઈ હતી. જેના કારણે સમુદ્રનું પાણી કચ્છના રણમાં ફરી વળ્યુ હતુ. અને એની નોંધ ઇતિહાસે પણ લીધી.

ભૂકંપ અને ત્સુનામીને કારણે એ સમયે કચ્છના ઘણા મોટા શહેર ગણાતા એવા અંજાર, ભુજ, માંડવી અને તેરામાં ભારે તારાજી થઈ હતી. તેમજ હાલના અબડાસા તાલુકામાં આવતા કોઠાળા, મોથાળા, નળીયા અને વીંઝાણ ગામો મહત્તમ રીતે ભાંગી પડ્યા હતા. દાઝેલા પર મીઠાની જેમ મહાવિનાશક ભુકંપ પછી આવેલી ત્સુનામીએ કોસ્ટલ એરીયામાં રહેતા ઘણા બધા માછીમારોના નાના ગામોનો વિનાશ કરી દીધો. મળેલા આંકડા અનુસાર મોટા શહેરોમાં જે તે સમયે 1543 લોકોનું મૃત્યુ આ ભૂકંપ અને ત્સુનામીને લીધે થયા હતા. ઈતિહાસમાં એ નોંધાયેલું છે. પણ અનેક ગામોમાં ફરી વળેલા એ કાળચક્રની આજે કોઇ નોંધ નથી.

શું એ ભુકંપ પછી ફરી સિંધુનું પાણી ગુજરાતમાં આવ્યું?

2010 માં ડો. પી.એસ.ઠાકર જે ઇસરોના સેટૅલાઈટ આર્કોલોજીસ્ટ છે એમણે જાહેર કર્યુ હતુ, કે સિંધુ નદીના જુના વહેણ વિસ્તારમાં ઉપર તરફ ભારે માત્રામાં વરસાદ પડતા પુર જેવી સ્થીતી સર્જાઈ હતી. ત્યારે જે સિંધુ નદીનો વહેણ વિસ્તાર 1819 બાદ બંધ થઈ ગયો હતો, તેના દ્વારા જ પાણી રણમાં પ્રવેશ્યું હતું. ત્યારબાદ જમીનની નીચેની નદીની ચેનલ ફરી કાર્યાન્વીત થઈ હોવાની ચર્ચાએ જોર પકડ્યુ હતુ. કેટલાક વૈજ્ઞાનિકોએ કરેલા દાવા અનુસાર 2001 માં આવેલા ભુકંપને કારણે સર્જાયેલા ઉલટફેરના કારણે ફરી વખત તે ચેનલ કાર્યાન્વીત થઈ છે.

શું થયું હતું તે ખૂની દિવસની સાંજે?

મિત્રો તમારી જાણકારી માટે જણાવી દઈએ, કે આજથી 200 વર્ષે પહેલા 16 જુન,1819 ના રોજ સાંજે 6 વાગ્યે ને 45 મિનિટે કચ્છની ધરતી ધણધણી ઉઠી હતી. તે દિવસે જે ભૂકંપ આવ્યો એને ‘ગ્રેટ અર્થક્વીક’ કહેવાય છે. અને એ ભુકંપનો વ્યાપ એટલો વધારો હતો કે પશ્ચીમમાં અફઘાનિસ્તાનથી પૂર્વમાં કોલકતા અને દક્ષીણમાં ચેન્નાઈ સુધી ધરતી ધ્રુજી ઉઠી હતી. વૈજ્ઞાનિકો એવો અંદાજો લગાવે છે કે તે દિવસના ભૂકંપની તીવ્રતા 7.7 થી 8.2 ની વચ્ચે રહી હશે, જે બે થી ત્રણ મીનીટ જેટલો લાંબો ચાલ્યો હતો.

આ રીતે સર્જાયો અલ્લાહબંધ, સિંધુ નદીને તેણે અટકાવી :

આ મોટા ભુકંપના કારણે કચ્છની કોરી ક્રિક અને આજના પાકિસ્તાનમાં 80 કિલોમીટર લાંબો, 6 કીમી પહોળો જમીનનો પટ્ટો 6 મીટર ઉપર આવી ગયો. આ ફેરફારને કારણે સિંધુ નદીની એક મોટી શાખા જે કચ્છની કોરી ક્રિક અને લખપત સુધી આવતી હતી, તે આવતી બંધ થઇ ગઈ.

અને ખરાબ વાત હતી કે એના થકી જ વેપાર, ધંધા અને વહાણવટો ચાલતો હતો, જે ભૂકંપે બંધ કરાવી દીધો. તે કુદરતી રીતે સર્જાયેલા ‘ડેમ’ ને ‘અલ્લાહ બંધ’ ના નામે ઓળખાય છે. મીઠા પાણીનું વહેણ બંધ થઈ જતા અને સીંદરી તળાવ અને આખો પટ્ટો જે એક સમયે ચોખાની પેદાશ માટે જાણીતો હતો તે વેરાન થયો અને ત્યાં સમુદ્રનું પાણી ઘુસી આવ્યુ. જેના કારણે મીઠાથી છલોછલ આજનું રણ બની ગયુ.

દરરોજ લાખો કોરીની આવક કરવાવાળું લખપત થયુ ભેંકાર :

લખપત એક એવો પ્રદેશ છે જે એ સમયે રોજની લાખ કોરી (કચ્છનું તે સમયનું ચલણ) નો વેપાર કરતો હતો. અને એ કમાણીએ લીધે જ તેનું નામ લખપત પડતું હતું. એક સમયે મુંબઈ સહિત દુર દુરના પ્રદેશોમાં અહિથી માલ-સામાનની આયાત-નિકાસ થતી હતી. પણ તે આ ભૂકંપ અને ત્સુનામીની તારાજી અને એને લીધે સિંધુના બંધ થયેલા વહેણને કારણે બંધ થઇ ગઈ. અને લખપત પડી ભાંગ્યુ.

આમ થવાથી વેપાર, ધંધા તુટી પડ્યા, જે હતા તેમની પાસે કરવા માટે કાંઈ રહ્યુ નહિ. આ લખપત શહેરમાં લુંટના ઈરાદે કોઈ હુમલો ન થાય તેના માટે ચારે બાજુ કિલ્લેબંધી કરવામાં આવી હતી. ત્યાંથી જ ગુરુ નાનક મક્કા મદીના જવા રવાના થયા હતા. પણ કુદરતના આ મોટા તમાચાને લીધે લોકો તેને મુકિને ચાલ્યા ગયા. આજે પણ લખપતમાં ગુરુદ્વારા અને બીએસએફની ચોકી સીવાય કોઇ નથી.

પૃથ્વીના સર્જન પછી થયેલા મહત્વપુર્ણ પરિવર્તન માંથી એક છે :

સ્કોટીસ જીયોલોજીસ્ટ ચાર્લીસ લેય્સ જે ‘પ્રીન્સીપલ્સ ઓફ જીયોલોજી’ માં આખા વિશ્વમાં પ્રસિદ્ધ બન્યા હતા તે એવું જણાવે છે કે ‘પ્રુથ્વીના સર્જન પછી જે મહત્વપુર્ણ પરિવર્તન આવ્યા છે, તેમાંથી એક 1819 માં આવેલો આ કચ્છનો ભુકંપ છે.’ મીઠા પાણીના મોટા તળાવો અને વિશ્વ પ્રસિદ્ધ ચોખાનું ઉત્પાદન કરતા ખેતરો મીઠાના રણમાં ફેરવાઈ ગયા. જેમાં વિશ્વની પ્રથમ સૌથી વ્યવસ્થીત ચાલતી સંસ્ક્રુતિ એવી ‘સિંધુ સભ્યતા’ વિકસી તેનો ભાગ પણ સામેલ છે. આ રીતે કુદરતે પોતાની શક્તિ દેખાડી મનુષ્યને ચકિત કરી દીધા હતા.