બનાવો રીંગણનાં 7 પ્રકારનાં અવનવાં શાક જેને નાનાં-મોટાં આંગળાં ચાટી-ચાટીને ખાશે

0
7747

ભારતમાં રીંગણ સૌથી વધારે વપરાતી શાકભાજી માંથી એક છે. આમ તો રીંગણ આજકાલ બારેમાસ મળે છે. પરંતુ ઠંડીની સિઝનમાં રીંગણ ખાવાની મજા જ અલગ હોય છે. હવે વાતાવરણમાં થોડી-થોડી ઠંદકની અસર જોવા મળે છે એટલે માર્કેટમાં રીંગણ વધારે જોવા મળવા લાગ્યાં છે. જોકે ઘણા લોકોને રીંગણ ભાવતાં નહિ હોય. પરંતુ રીંગણમાં થોડા-ઘણા ટ્વિટ્સ કરી અવનવા અંદાજમાં ચટાકેદાર બનાવવામાં આવે, તો ભલભલાં આંગળાં ચાટીને ખાય છે. આજે અમે તમારા માટે લાવ્યા છીએ રીંગણમાં ૭ પ્રકારનાં અવનવાં શાકની રેસિપિ.

નોંધી લો ભરેલા રીંગણ, ઝટપટ રીંગણ, ડ્રાય રીંગણ, ખાટા રીંગણ, રીંગણ વડીનું શાક અને હૈદરાબાદી રીંગણની સરળ અને ઝટપટ રેસિપિ….

૧. ભરેલા રીંગણ બનાવવા માટે :

સામગ્રી :

દસ નાના રીંગણ

એક કપ કાચી કેરીનું છીણ

એક ચમચો ચણાનો લોટ

બે ચમચા શેકેલો સીંગદાણાનો ભૂકો

એક ચમચી ધાણાજીરું

અડધી ચમચી લાલ મરચું

અડધી ચમચી હળદર

મીઠું સ્વાદ મુજબ

એક ચમચી જીરુંનો ભૂકો

બે ચમચા તેલ

અડધી ચમચી રાઈ

પા ચમચી મેથીના દાણા

એક ચપટી હિંગ

બે થી ત્રણ ચમચા સમારેલી કોથમીર

છ થી સાત મીઠા લીમડાના પાન

બે થી ત્રણ ચમચા નારિયેળનું છીણ

અડધો કપ પાણી

બનાવવાની રીત :

આ વાનગી બનાવવા માટે રીંગણને ધોઈને તેની વચ્ચે ઉભો ચીરો મૂકો. એક બાઉલમાં શેકેલા સીંગદાણાનો ભૂકો, જીરુંનો ભૂકો, છીણેલું નારિયેળ, 1 ચમચો કાચી કેરીનું છીણ, ચણાનો લોટ, ધાણાજીરું, લાલ મરચું પાઉડર, મીઠું, હળદર મિક્સ કરી લો. આ મિશ્રણને રીંગણમાં ભરી લો. રીંગણ ભરતા મસાલો વધે તેને સાઈડમાં મૂકી દો. એક કડાઈમાં તેલ ગરમ કરો. તેમાં રાઈ, મેથી અને હિંગનો વઘાર કરો. પછી તેમાં મીઠા લીમડાના પાન ઉમેરો.

ત્યારબાદ તેમાં ભરેલા રીંગણ મૂકીને થોડીવાર માટે તેલમાં ફ્રાય કરો. ત્યારબાદ તેમાં રીંગણ ભરતા વધેલો મસાલો અને બાકીનું કાચી કેરીનું છીણ ઉમેરીને સારી રીતે મિક્સ કરી લો. તેને હળવે હાથે હલાવતા થોડીવાર પકાવો. પછી તેમાં અડધો કપ પાણી ઉમેરીને કડાઈને ઢાંકી દો. 4-5 મિનિટ મધ્યમ તાપે પકાવો પછી તેને ખોલીને રીંગણને હલાવી લો. આ રીતે 2-3 વાર ફેરવીને પકાવી લો. રીંગણ ચડી જાય એટલે શાકને ઉતારી લો. તૈયાર છે ભરેલા રીંગણ અને કાચી કેરીનું શાક. તેને રોટલી, પરાઠા કે પુરી સાથે ગરમા-ગરમ સર્વ કરો.

૨. ઝટપટ રીંગણ બનવાની રીત :

સામગ્રી :

ચાર કપ સ્લાઈસ્ડ રીંગણ

મીઠું સ્વાદ અનુસાર

અડધી ચમચી હળદર

ત્રણ ચમચા તેલ

એક ચમચી રાઈ

બે ચમચી તલ

એક ચમચી લાલ મરચું

ચાર ચમચી બેસન

એક ચમચી ખાંડ

બે ચમચી કાજુના ટુકડા

આઠ કિસમિસ

બનાવવાની રીત :

આ વાનગી બનાવવા માટે રીંગણની સ્લાઈડને મીઠું અને હળદર સાથે સારી રીતે મિક્સ કરી 15 મિનિટ માટે સાઈડમાં મૂકી દો. એક પેનમાં તેલ ગરમ કરો અને તેમાં રાઈ તેમજ તલ નાખી તતડવા દો. પછી તેમાં લાલ મરચું પાઉડર, બેસન, ખાંડ, કાજુ અને કિસમિસ ઉમેરી સારી રીતે શેકો. હવે તેમાં રીંગણ ઉમેરીને સારી રીતે મિક્સ કરી દો. ગેસ ધીમો કરી રીંગણને ઢાંકીને પકાવો. વચ્ચે વચ્ચે હલાવતા રહો. 10-15 મિનિટમાં રીંગમ નરમ થઈ જશે. તૈયાર છે રીંગણનું શાક.

૩. ડ્રાય રીંગણ બનાવવા માટે :

જરૂરી સામગ્રી :

આઠ નાના રીંગણ

આઠ ચમચી બેસન

એક ચમચી લાલ મરચું

દોઢ ચમચી ધાણાજીરું

એક ચમચી જીરું

મીઠું સ્વાદ મુજબ

દોઢ ચમચી આમચૂર પાઉડર

બે ચમચા ઝીણી સમારેલી કોથમીર

ત્રણ ચમચા તેલ

બનાવવાની રીત :

આ વાનગી બનાવવા માટે રીંગણને સારી રીતે ધોઈને વચ્ચેથી કાપો મૂકો. એક વાસણમાં બેસન, લાલ મરચું, ધાણાજીરું પાઉડર, આમચૂર, મીઠું અને સમારેલી કોથમીર મિક્સ કરી લો. આ સ્ટફિંગને રીંગણમાં ભરી દો. એક પેનમાં તેલ ગરમ કરો. તેલમાં જીરું ઉમેરો. હવે તેમાં ભરેલા રીંગણ મૂકી દો. રીંગણ પર થોડું તેલ રેડો અને થોડું મીઠું પણ છાંટો. હવે રીંગણને ચઢવા દો. દર પાંચ મિનિટે રીંગણને પેનમાં ફેરવતા રહો જેથી તે ઝડપથી અને સારી રીતે પાકી જાય.

૪. ખાટા રીંગણ બનાવવાની રીત :

જરૂરી સામગ્રી :

આઠ-દસ નાના રીંગણ

અડધી ચમચી હળદર

બે ચમચા તેલ

અડધી ચમચી હિંગ

એક ચમચી જીરું

એક ચમચી વરીયાળી

બે ચમચા સમારેલી લીલી કોથમીર

બે સમારેલા લીલા મરચાં

અડધો કપ પુદીનાના પાન સમારેલા

ચાર કપ દહીં

બે ચમચી ધાણાજીરું

એક ચમચી લાલ મરચું

દોઢ ચમચી આમચૂર

મીઠું સ્વાદ અનુસાર

બનાવવાની રીત :

સૌથી પહેલા રીંગણને ધોઈને સાફ કરી લો. ડિંટીયા કાપવા નહીં. રીંગણમાં ચીરા મૂકી ચાર ભાગ કરો. પાણીમાં ચપટી હળદર ઉમેરી તેમાં આ રીંગણ ડુબાડી દો. એક પેનમાં તેલ ગરમ કરો. તેમાં જીરું, હિંગ, વરિયાળી ઉમેરી સાંતળો. હવે પાણીમાંથી કાઢેલા રીંગણ તેમા મૂકો અને તેની સાથે જ લાલ મરચું, ધાણાજીરું, હળદર ઉમેરી ઢાંકી દો. ધીમા તાપે 10-12 મિનિટ પકાવો. વચ્ચે-વચ્ચે રીંગણને પલટતા રહો. કોથમીર, પુદીના, લીલા મરચાં, આમચૂર પાઉડર અને 2 કપ દહીં મિક્સ કરી તેને પીસીને ચટણી બનાવી લો. તેમાં જરૂર પ્રમાણે મીઠું ઉમેરો. આ ચટણીને પાકી ગયેલા રીંગણ સાથે મિક્સ કરો અને 4-5 મિનિટ પકાવો.

૫. રીંગણ વડીનું શાક :

જરૂરી સામગ્રી :

એક ભરથા માટેનું મોટુ રીંગણ

એક મુઠ્ઠી મગ કે અડદની વડી

બે ડુંગળી ઝીણી સમારેલી

બે ટામેટાં સમારેલા

પાંચ-છ કળી લસણ

એક ઈંચ આદુંનો ટુકડો

એક ચમચી જીરું

એક ચમચી ધાણાજીરું

અડધી ચમચી હળદર

એક ચમચી લાલ મરચું

મીઠું સ્વાદ અનુસાર

અડધી ચમચી ગરમ મસાલો

બે ચમચા તેલ

બનાવવાની રીત :

પેનમાં તેલ ગરમ કરી તેમાં વડીને શેકી લો. શેકેલી વડીને સાઈડમાં મૂકી દો. હવે પ્રેશર કુકરમાં તેલ ગરમ કરી. તેમાં જીરું તતડવો. તેલમાં ડુંગળી, લસણ અને આદું ઉમેરો તે સાંતળીને પછી ટામેટા ઉમેરો. ટામેટા પાકી જાય એટલે તેમાં બાકીના બધા મસાલા ઉમેરી સારી રીતે પકાવો. પછી તેમાં સમારેલુ રીંગણ અને શેકેલી વડી ઉમેરો. તેમાં અડધી વાટકી પાણી ઉમેરી પ્રેશર કુકરનું ઢાંકણ બંધ કરી દો. તેજ તાપે પકાવો. એક સીટી વાગે એટલે ગેસ ધીમો કરી દો. 5-7 મિનિટ બાદ ગેસ બંધ કરી દો. કુકર ઠંડુ થઈ જાય અને તેમાંથી વરાળ નીકળી જાય પછી જ કુકર ખોલો.

૬. હૈદરાબાદી રીંગણ બનાવવાની રીત :

જરૂરી સામગ્રી :

અઢીસો ગ્રામ રીંગણ

ત્રણ ટામેટાં

બે ડુંગળી

એક ટુકડો આદું

ચાર-પાંચ લસણની કળી

બે ચમચા નાળીયેરનું છીણ

બે ચમચા કોથમીર

એક ચમચો મગફળીના દાણા

એક ચમચી ખાંડ

અડધી ચમચી જીરું

બે ચમચી ધાણાજીરું

અડધી ચમચી હળદર

એક ચમચી લાલ મરચું

અડધી ચમચી ગરમ મસાલો

બે ચમચી આમલી

બે ચમચા તેલ

મીઠું સ્વાદ મુજબ

બનાવવાની રીત :

આ વાનગી બનાવવા માટે નાના રીંગણ લઈને તેની વચ્ચે કાપો મૂકો. ટામેટાં અને આદુંને લઈને મિક્સરમાં ક્રશ કરી લો. આમલીને અડધા કપ પાણીમાં 1 કલાક માટે પલાળી દો. પછી આ પાણીને ગાળી લો. નારિયેળનું છીણ, પીસેલી મગફળી, ખાંડ, ધાણાજીરું, હળદર, મીઠું, લાલ મરચું તેમજ ગરમ મસાલો સારી રીતે મિક્સ કરી લો. અડધો મસાલો રીંગણમાં ભરી દો. અડધો સાઈડમાં મૂકી દો.

હવે એક કડાઈમાં તેલ ગરમ કરો. તેમાં જીરું ઉમેરો. ત્યારબાદ ડુંગળી અને આદું-લસણ ઉમેરી દો. ડુંગળી ગુલાબી થાય ત્યાં સુધી સાંતળો પછી ટામેટાં ઉમેરી તેને પાકવા દો. ટામેટાં પાકી જાય એટલે તેમાં બાકી બચાવીને રાખેલો મસાલો અને આમલીનું પાણી ઉમેરો. આ મિશ્રણમાં ભરેલા રીંગણને મૂકીને તેને ધીમા તાપે પકાવો. રીંગણ નરમ થાય એટલે ગેસ બંધ કરી દો. તેના પર કોથમીર ભભરાવો. તૈયાર છે સ્વાદિષ્ટ હૈદરાબાદી રીંગણ.

૭. રીંગણનું ભરથું બનાવવાની રીત :

જરૂરી સામગ્રી :

બે મોટા ભરથાંના રીંગણના ભુટ્ટા

દોઢ કપ ઝીણી સમારેલી ડુંગળી

બે ટામેટા ઝીણા સમારેલા

એક ચમચી આદુની પેસ્ટ

એક ચમચી લસણની પેસ્ટ

બે ચમચા તેલ

એક ચમચી રાઈ

એક ચમચી જીરું

એક ચપટી હિંગ

બે ચમચી ધાણાજીરું

અડધી ચમચી હળદર

દોઢ ચમચી લાલ મરચું

મીઠું સ્વાદ અનુસાર

બનાવવી રીત :

આ વાનગી બનાવવા માટે સૌથી પહેલા રીંગણના ભુટ્ટાને સારી રીતે ધોઈને લુછી લો. ચાકુથી રીંગણમાં ચાર કાપા કરો. ધ્યાન રાખો કે ડિંટીયાથી તે અલગ ન થઈ જાય. હવે આ રીંગણને હાથે ફરતું તેલ લગાવી લો. કાપાની અંદરના ભાગે પણ તેલ લગાવી દો. રીંગણને ગેસ પર શેકવા મૂકી દો. વચ્ચે વચ્ચે તેને પલટતા રહો. રીંગણની છાલ ઉતરી જાય તેવા શેકાય જાય એટલે તેને ઉતારી લો. રીંગણ ઠંડા થાય એટલે તેની છાલ ઉતારીને બાકીના ભાગનો છુંદો કરી લો.

હવે આ છુંદામાં હળદર, મીઠું, લાલ મરચું અને ધાણાજીરું ઉમેરીને સારી રીતે મિક્સ કરી લો. એક પેનમાં તેલ ગરમ કરો. તેલ ગરમ થઈ જાય એટલે તેમાં હિંગ, રાઈ, જીરું ઉમેરીને સાંતળો. પછી તેમાં ઝીણી સમારેલી ડુંગળી, લસણ અને આદુંની પેસ્ટ ઉમેરીને પકાવો. ડુંગળી ચડી જાય એટલે ટામેટાં ઉમેરો. ટામેટાં પાકી જાય એટલે તેમાં રીંગણનો છુંદો ઉમેરી દો. તેને પેનમાં રહેલી સામગ્રી સાથે હલાવીને સારી રીતે મિક્સ કરી દો. ગેસને ધીમો કરી 5 મિનિટ માટે પાકવા દો. તૈયાર છે રીંગણનું ભરથું. તેને ઉપરથી કોથમીર મૂકી ગાર્નિશ કરો.