હવે આ રીતે ઘરે જ બનાવો અમદાવાદી સ્ટાઇલથી વડાપાઉં, ક્લિક કરી જાણો વીડિઓ દ્વારા

0
2878

નમસ્કાર મિત્રો, તમારા બધાનું અમારા લેખમાં સ્વાગત છે. અમે અવારનવાર કુકિંગ રેસીપી લઈને આવતા રહીએ છે. તો આજે અમે તમને અમદાવાદી સ્ટાઇલથી વડાપાઉં કેવી રીતે બનાવવા તે શીખવીશું. હવે વડાપાઉંની વાત કરીએ તો લગભગ દરેકને વડાપાઉં ભાવતા જ હોય છે. એનું નામ સાંભળતા જ મોમાં પાણી આવી જાય છે. આજે અમે એની જ રેસીપી તમને જણાવીશું. તો આવો તમને જણાવીએ કે અમદાવાદી સ્ટાઈલમાં વડાપાઉં કેવી રીતે બનાવવા.

વડાપાઉં બનાવવા માટેની સામગ્રી :

વડાપાઉંના પાઉં

લાલ ચટણી બનાવવા માટે જરૂરી સામગ્રી :

લાલ મરચું – 2 મોટી ચમચી (કાશ્મીરી)

ધાણા-જીરું – 1/4 નાની ચમચી

મીઠું – સ્વાદ અનુસાર

બટાટાના વડા બનાવવા માટે જરૂરી સામગ્રી :

કોથમીર – 25 ગ્રામ

લીલા મરચા – 8 થી 10 નંગ

આદુ – 1 નાનો ટુકડો

બેસન – 250 ગ્રામ

મીઠું – સ્વાદ અનુસાર

ખાવાનો સોડા – 1/4 નાની ચમચી

બટાટા વડાનું સ્ટફિંગ બનાવવા માટે જરૂરી સામગ્રી :

બટાકા – 500 ગ્રામ (બાફીને સાફ કરી લેવા)

મીઠું – સ્વાદ અનુસાર

બૂરું સાકર – 2.5 મોટી ચમચી

ધાણા જીરું – 1 નાની ચમચી

ગરમ મસાલો – 1/4 નાની ચમચી

તેલ -1 મોટી ચમચી

થોડા દાડમના દાણા

કોથમીર

લીંબુનો રસ – 2 થી 3 નાની ચમચી

બનાવવાની રીત :

લાલ ચટણી બનાવવાની રીત :

સૌથી પહેલા તમારે એક નાના બાઉલની અંદર લાલ મરચું, ધાણા-જીરું અને મીઠું નાખી દેવું. ત્યારબાદ તેમાં ચમચી દ્વારા થોડું થોડું પાણી ઉમેરતા રહેવાનું છે. આમ કરીને એક ઘટ્ટ પેસ્ટ બનાવવાની છે. (જે લોકો લસણ ખાતા હોય તે લોકો આ રીતના બદલે મીક્ષરમાં આ બધી વસ્તુની સાથે તેમાં 8-10 કળી લસણની નાખીને મીક્ષરમાં જ ઘટ્ટ પેસ્ટ બનાવી શકે છે.)

જે લોકો લસણ નથી ખાતા એમના માટે આ રીતની ચટણી ખુબ જ યુઝફુલ હોય છે. એક વાતનું ધ્યાન રહે કે ચટણી વધારે પાતળી ના થઇ જાય. લગભગ 2 મોટી ચમચી પાણી તેમાં લાગી જતું હોય છે.

બટાટાના વડા બનાવવાની રીત :

મિત્રો એના માટે સૌથી પહેલા તમારે બટાટા વડાના સ્ટફિંગ માટે એક લીલી પેસ્ટ તૈયાર કરવાની છે. કોથમીર અને મરચાને સારી રીતે ધોઈને સાફ કરી લો. અને તેને પાણી વગરજ ગ્રાઈન્ડ કરી લેવાના છે. (જો તમે લસણ ખાતા હોવ તો એના માટે લીલું લસણ પણ ખુબજ સરસ હોય છે. અને જો લીલું લસણના હોય તો તમે યાદી અનુસાર જે બધી વસ્તુ લીધી છે તેમાં 5 થી 6 કળી સૂકું લસણ લઇ શકો છો.)

હવે વારો આવે છે એનું ખીરાનો. ખીરું બનાવવા માટે સૌથી પહેલા બેસનને ચાળી લેવાનો છે અને તેને એક બાઉલમાં લઇ તેમાં થોડું થોડુ પાણી ઉમેરતા રહેવાનું છે, અને તેનું ખીરું બનાવવાનું છે. તમારું ખીરું પાતળું ન થાય એના માટે પાણીને થોડું થોડું એડ કરવાનું છે.

આ રીતે બધું સરસ રીતે મિક્ષ કરી લો અને ક્યાંય પણ કોરો લોટ રહી જ જાય તેનું ધ્યાન રાખવાનું છે. એના માટે લગભગ 300 ml જેટલું પાણી ઉપયોગમાં લેવાય છે. તેમાં થોડું મીઠું અને ખાવાનો સોડા પણ એડ કરી દો. અને ફરીથી તેને મિક્ષ કરી લો. મિક્ષ થઇ ગયા બાદ તેને ઢાંકીને 10 મિનિટ રહેવા દો.

બટાટા વડાનું સ્ટફિંગ બનાવવાની રીત :

એક મોટુ વાસણ લઈ એમાં બટાકાને નાખી એનો છુંદો કરી દો. ત્યારબાદ તેમાં પહેલા મીઠું ઉમેરીશું. પછી તેમાં સાકર ઉમેરવાની છે અને તેમાં તમે તમારી ઈચ્છા અનુસાર વધારો-ઘટાડો કરી શકો છો. આ કર્યા પછી તેમાં ધાણા-જીરું, ગરમ મસાલો ઉમેરો. હવે બીજી તરફ તેલ ગરમ કરવા મૂકી દો.

ત્યારબાદ તે બધી વસ્તુને એક વાર સારી રીતે મિક્ષ કરી લો. અને બીજી બાજુ તેલ ગરમ થાય તો તેમાં થોડી રાઈ નાખો અને રાઈ થઇ ગયા બાદ ગેસ બંધ કરી એ તેલમાં થોડી હળદળ અને હિંગ ઉમેરો. જે લીલી પેસ્ટ બનાવેલી છે તે પેસ્ટ આમાં એડ કરી દેવાની છે. હવે બંધ ગેસ ઉપર તેને હલાવવાનું છે. સારી રીતે મિક્ષ થયા બાદ બટાકાના મિશ્રણમાં તેને એડ કરી દેવાનું છે.

ત્યાર બાદ તેમાં થોડા દાડમના દાણા, સમારેલી કોથમીર અને લીંબુનો રસ એડ કરવાનો છે. હવે આ બધાને મિક્ષ કરવાનું છે. તમે દાડમના દાણાને પણ ઓછા વધતા કે ના પણ લેવા હોય તો તે પણ કરી શકો છો.

ત્યારબાદ હાથને ધોઈને હાથમાં તેલ લગાવીને તેના ગોળા બનાવી લેવાના છે. ગોળા તમારે મીડીયમ સાઈઝના બનાવવાના છે. હવે સ્ટફિંગના ગોળા બની ગયા બાદ જે ખીરું બનાવેલું છે તેને એક વાર ફરી હલાવી દેવાનું છે અને વડા તળવા માટે તેલ ગરમ કરવા મૂકી દેવાનું છે. અને તેલ ગરમ થઇ ગયા બાદ જે ખીરું છે તેમાં તે ગોળા નાખીને તેના પર બધી બાજુથી ખીરું લાગવી દેવાનું છે.

અને તમે આ પ્રક્રિયા હાથથી કરવા માંગો છો તો હાથની નહિ તો ચમચી દ્વારા પણ કરી શકો છો. ત્યારબાદ વડાને તેલમાં નાખી દેવાના છે અને ગેસને ધીમો કરી દેવાનો છે. એક સાઈડ તળાય ત્યારે તેને ફેરવવાનું છે અને તેને બધી બાજુથી સારું તળવાનું છે. તે ગોલ્ડન બ્રાઉન રંગના થાય ત્યારે તેને કાઢી લેવાના છે. હવે તમારા બટાટાના વડા તૈયાર છે.

તો મિત્રો હવે આવે છે અંતિમ ચરણ. હવે તમારે વડાપાઉં બનાવવા માટે પહેલા તો પાઉંને વચ્ચેથી કાપવાના છે. ત્યારબાદ એક ફ્રાઈ પેનને ગરમ કરવા મૂકી દેવાનું છે. એમાં થોડું તેલ એડ કરવાનું છે, જે લાલ પેસ્ટ બનાવી છે તે એમાં ઉમેરવાની છે, અને તેલ ઠંડુ હોય ત્યારે જ ઉમેરવાની છે. જો ગરમ તેલમાં એડ કરશો તો તેનો કલર બદલાય જશે. એટલે તેનો કલર બદલાય નહિ અને મરચાનો ટેસ્ટ પણ તમને સારો મળે એટલે તેને ઠંડા તેલમાં જ એડ ઉમેરવાની છે.

તમારે પાઉંને ધીમા ગેસ ઉપર 2 મિનિટ માટે શેકી લેવાના છે. તમારે 2 મિનિટ પછી પાઉંને પેનમાં નાખી તેની બધી પેસ્ટ તેની ઉપર લાગી જાય તેવી રીતે કવર કરી લેવાનું છે. થોડી વાર તેને એમજ રહેવા દેવાનું છે. ફરી થોડું તેલ એડ કરવાનું અને જો તમને બટરનો ઉપયોગ કરવા માંગો છો, તો તમે તેનો પણ ઉપયોગ કરી શકો છો. અને એને પલટાવી નાખવાના છે.

ત્યારબાદ એક વડું લઈએ, એને થોડું દબાવીને પાઉંમાં મુકવાનું છે. પાઉં પર મૂકી તેને એક સાઇડથી બંધ કરી તેને હવે બંને સાઈડ સેકી લેવાનું છે. હવે તમારા વડાપાઉં તૈયાર છે. તમે તેની સાથે ટામેટાનો સોસ કે ચટણી વગેરે સાથે ખાઈ શકો છો. અને તે સ્વાદમાં ખુબ સરસ લાગે છે.

વીડિઓ ૧ : અમદાવાદી સ્ટાઇલથી વડાપાઉં બનાવવાની રીત

વીડિઓ ૨ : બટાટા વડા બનાવવાની રીત