દરેકને ભાવતા ભાવનગરી સોફ્ટ ગાંઠિયા બનાવો ઘરે સરળ રીતે

0
3635

નમસ્કાર મિત્રો, અમે તમારા માટે થોડા થોડા સમયે નવી નવી વાનગીઓ બનાવવાની રેસિપી લાવતા રહીએ છીએ. એ કડીમાં આજે અમે ભાવનગરી ગાંઠિયા બનાવવાની રેસિપી લઈને આવ્યા છીએ. તમે ભારતના કોઈ પણ ખૂણામાં જાવ અને ત્યાંની વાનગીઓ ખાવ, પણ આપણા ગુજરાતની વાનગીઓની મજા જ કંઈક અલગ હોય છે.

અને જો તમને આ રીતની કોઈ ને કોઈ વાનગી બનાવતા આવડતી હોય તો તમે એને ઘરે જ બનાવીને એના સ્વાદનો આનંદ માણી શકો છો. સવારના ચા નાસ્તામાં જો આ ગાંઠિયા મળી જાય તો જાણે દિવસની રંગત જ બદલાય જાય છે. જો તમને પણ ચા સાથે ગાંઠિયા ખાવા ખુબ ગમે છે, તો તમે પણ શીખી લો કઈ રીતે બનાવવા ભાવનગરના પ્રખ્યાત સોફ્ટ ગાંઠિયા.

ભાવનગરના પ્રખ્યાત ગાંઠિયા બનાવવા માટે જરૂરી સામગ્રી :

ચણાનો લોટ (૨૫૦ ગ્રામ)

તેલ (૧/૨ કપ)

બેકિંગ સોડા (૧/૨ ચમચી)

હિંગ (૧ ચપટી)

વાટેલાં કાળામરી (૨ ચમચી)

અજમો (૧ નાની ચમચી)

તળવા માટે તેલ

મીઠું (સ્વાદ અનુસાર)

ભાવનગરના પ્રખ્યાત ગાંઠિયા બનાવવાની રીત :

ગાંઠિયા બનાવવા માટે સૌથી પહેલા તમારે એક મોટા બાઉલમાં ચણાનો લોટ લેવાનો છે. ગાંઠિયાનો લોટ બાંધવા માટે તમે જરૂર મુજબ તેલ ગરમ કરો. અને આ તેલ ગરમ થઈ જાય એટલે ગેસ બંધ કરો. તેમાં મીઠું અને બેકિંગ સોડા મિક્સ કરી એ તેલને ચણાના લોટમા મિક્સ કરી દો. અને ત્યારબાદ તમારે ચણાના લોટમાં હિંગ અને કાળામરી અને અજમો મસળીને નાખો. અને ત્યારબાદ મસળીને થોડું થોડુ પાણી ઉમેરતા જાવ અને લોટ તૈયાર કરો.

હવે સ્વભાવિક છે કે સોફ્ટ ગાંઠિયા બનાવવા છે તો લોટ પણ સોફ્ટ રાખવો પડશે. તો સોફ્ટ ગાંઠિયાનો લોટ બાંધવા માટે તમને લગભગ પોણો કપ જેટલું પાણી જોઈશે. અને આ લોટને તમારે લગભગ ૧૦ મિનિટ સુધી ફેંટીને તૈયાર કરવો પડશે. લોટ તૈયાર થઇ ગયા પછી તમે એને સેવ પાડવાના સંચામાં ભરો. એ સંચામાં તમારે મોટી જાળી સેટ કરવી પડશે.

હાથમાં થોડુ તેલ લગાવીને લોટ સંચામાં ભરશો તો સારું રહેશે. હવે ગાંઠિયા તળવા માટે તેલ ગરમ કરો. ધ્યાન રહે કે સોફ્ટ ગાંઠિયા બનાવવા માટે તેલ મિડિયમ ગરમ હોવુ જોઇએ. હવે સંચાથી તેલમાં ગાંઠિયા પાડી એને સારી રીતે તળી લો. તો હવે તૈયાર છે ભાવનગરી સોફ્ટ ગાંઠિયા.

જો તમે વધારે ગાંઠિયા બનાવ્યા હોય તો એને ડબ્બામાં ભરીને લાંબા સમય સુધી સાચવી શકો છો. અને સવારે ચા સાથે અથવા તમારા ઘરે કોઈ મહેમાન આવે તો એમની સાથે આ ભાવનગરના પ્રખ્યાત ગાંઠિયાની મજા માણી શકો છો.

જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો આને લાઇક અને શેયર કરવાનું ભૂલતા નહિ. તમારો અભિપ્રાય અને તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને જણાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી લોકો સુધી પહોચાડી શકીએ. ફેસબુક ઉપર હેલ્થ, જાણવા જેવું, અજબ-ગજબ, હાલના બનાવ, બ્યુટી ટીપ્સ, મજેદાર જોક્સ, બોલીવુડ ગપ શપ, દેશ-વિદેશ, રાશિ ભવિષ્ય, ખેતીને લગતી માહિતી, રસોઈ, ટેકનોલોજી વગેરેની માહિતી મેળવવા માટે, ફેસબુક પર અમારા પેજને ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું. આભાર. જય હિન્દ.