દરેકને ભાવતી વાનગી “છોલે ચણા” અને તેનો મસાલો બનાવવાની રીત વિષે જાણીલો અને ઘરે જ બનાવો સ્વાદિષ્ટ વાનગી

0
3353

નમસ્કાર મિત્રો, તમારા બધાનું અમારા લેખમાં સ્વાગત છે. રસોઈની અલગ અલગ રેસીપીઓની શ્રેણીમાં આજે અમે તમારા માટે છોલે ચણા અને તેનો મસાલો બનાવવાની રેસીપી લઈને આવ્યા છીએ.

તો મિત્રો જેવું કે તમે જાણો જ છો કે આપણા ભારતીય લોકો ખાવાના ઘણા શોખીન હોય છે. અને ભારતીય લોકોને વધારે ભાવતી વાનગીઓની યાદીમાં એક નામ છોલે ચણાનું પણ આવે છે. લગ્નના જમણવારમાં પણ તમને આ વાનગી વધારે જોવા મળશે.

અને માત્ર ભારતમાં જ નહિ વિશ્વ આખામાં જે જે દેશોમાં ભારતીય લોકો રહે છે, ત્યાં છોલે ખુબ પ્રચલિત વાનગી ગણાય છે. સામાન્ય રીતે લોકો છોલે બનાવવામાં ડુંગળી, લસણ અને બજારમાં મળતા પેક્ટ બંધ મસાલાનો જ ઉપયોગ કરતા હોય છે. પરંતુ આજે આપણે અહિયાં ડુંગળી, લસણનો ઉપયોગ કર્યા વગર જ અને ઘરમાં જ બનાવેલા મસાલાનો ઉપયોગ કરીશું. આ રીતે બનેલા છોલે ખુબ જ સ્વાદિષ્ઠ હોય છે.

આમ તો છોલે સાથે પૂરી ખાવામાં આવે છે. પણ જો તમને તળેલું માફક નથી આવતું તો તમે ગરમ રોટલી કે પરોઠા સાથે પણ આને ખાઈ શકો છો. જણાવી દઈએ કે આ પદ્ધતિમાં અમે ચણાને ચા સાથે બાફયા છે, જે રીતે હોટલમાં બને છે તે રીતે. પણ તમે ધારો તો સાદી પદ્ધતિથી પણ બાફી શકો છે.

જરૂરી સામગ્રી :

સફેદ ચણા (1 વાટકી)

ટમેટા (2 નંગ નાના)

છીણેલું આદુ (1 ચમચી)

1 ચમચી ચા ની ભૂક્કી / 1 ટી બેગ

હળદર (1/2 ચમચી)

તમાલપત્ર (1 નંગ)

ઝીણી સમારેલી કોથમીર (3-4 ચમચી)

ઝીણા સમારેલા લીલા મરચા (1 ચમચી)

છોલેમાં વપરાતો મસાલો બનાવવા માટે જરૂરી સામગ્રી :

લાલ સુકા મરચા (2-3 નંગ)

મરી (10-12 નંગ)

લવિંગ (2 નંગ)

જીરું (1 ચમચી)

ઈલાયચી (2-3 નંગ)

સુકા ધાણા (1.5 ચમચી)

તમાલપત્ર (1 નંગ)

1 નાનું તજ

છોલે બનાવવાની રીત :

સૌથી પહેલા તો સફેદ ચણા લઈને તેને સારી રીતે ધોઈ લો. ત્યારબાદ તેને જરૂરી પાણીમાં નાખીને 5-6 કલાક સુધી પલાળી રાખો. અથવા તો નવશેકા પાણીમાં 2 ક્લાક પલાળી રાખો. તમને જે રીત ફાવે એ રીતે એ રીતે તમે કરી શકો છો.

હવે જરૂરી સાઈઝનું કુકર લઈને એમાં આ પલાળેલા ચણા, મીઠું (સ્વાદ અનુસાર), એક તમાલપત્ર અને એક ટી બેગ લઇ લો. ટી બેગ ન હોય તો કાપડના ટુકડામાં થોડી ચા ની ભૂકી લઈને દોરી વડે બાંધીને કુકરમાં મૂકી દો. હવે ચણાને ધીમા તાપે 3-4 સીટી વાગે ત્યાં સુધી બાફો.

ચણા બફાય ત્યાં સુધી મસાલો બનાવવા માટેની તમામ સામગ્રી ભેગી કરીને તેને શેકી લો. પછી તે ઠંડુ થાય એટલે તેને મીક્ષરમાં નાખીને એકદમ ઝીણું દળી લો. મસાલો દળતા સમયે ધ્યાન રહે કે, છોલે ખાતા સમયે મસાલો શાક સાથે ચાવવામાં ન આવે એટલા માટે મસાલો એકદમ ઝીણો વાટીને તૈયાર કરવો જોઈએ.

હવે આદુ અને ટમેટાને મીક્ષરમાં દળી લો. ત્યારબાદ એક કડાઈમાં તેલ ગરમ થવા માટે મુકી દો. તેલ ગરમ થાય એટલે તેમાં ટમેટા અને આદુની ક્યુરી(ગ્રેવી) નાખો. અને તેમાંથી તેલ છુટું પડી જાય ત્યાં સુધી તેને સાંતળતા રહો. પછી તેમાં લાલ મરચું, હળદર, વાટેલો મસાલો, અને મીઠું નાખો. તેને આશરે એક મિનીટ સુધી શેકો. ત્યારબાદ તેમાં બાફેલા ચણા, કોથમીર અને 1 વાટકી પાણી નાખો.

હવે બધું નાખી દીધું છે તો તેને સારી રીતે મિક્સ કરીને ઢાંકીને ધીમા તાપ ઉપર શાક તૈયાર થવા દો. વચ્ચે વચ્ચે તેને હલાવતા રહેવું. નહી તો બાફેલા ચણામાં મસાલાની સુગંધ લાગી જશે. હવે શાક બનીને તૈયાર થઈ જાય એટલે તેને ડીશમાં કઢી તેના પર થોડી કોથમીર ભભરાવીને ગરમા ગરમ જ પીરશો.