ખેડૂત ખાસ વાંચે, “ગણોતધારા” વસિયતનામાના આધાર પર બિનખેડૂત ખેડૂત બનીને જમીન મેળવી શકે નહિ

0
22942

મિત્રો તમે જાણતા હશો કે આઝાદી પહેલા આપણા દેશના જુદાં જુદાં ભાગમાં પોતાની જમીન અંગે જુદી જુદી પધ્ધતિ અમલમાં હતી. જેવી કે, જમીનદારી, સામંતશાહી, રૈયતવાળી. સમગ્ર જમીન પર બ્રિટીશ હકુમતના વિસ્તારો સિવાય દેશી રજવાડાઓની માલિકી હતી. રાજ્ય માટે મુખ્ય આવકનું સાધન જમીન મહેસૂલ જ હતી. અને જે તે સમયે ૯૦ ટકા આવક ખેતી ઉપર નિર્ભર હતી. જમીનદારો ખેડૂતો પાસેથી આકરી રીતે જમીન મહેસૂલ વસુલ કરતાં અને જમીનની જપ્તી (રાજ્યસાત) પણ કરતાં.

તમને જણાવી દઈએ કે અત્યારના મહારાષ્ટ્ર અને ગુજરાતનો પ્રદેશ ‘મુંબઇ પ્રાંત’ તરીકે ઓળખાતો હતો, અને બ્રિટીશ હકુમતના હાલના ગુજરાતમાં પાંચ જિલ્લાઓ હતા, અને બાકીના દેશી રજવાડાંઓમાં તેમની પોતાની જમીન મહેસુલ વ્યવસ્થા હતી. પ્રગતિશીલ વડોદરા અને ગોંડલમાં સીધા ખેડૂત પાસેથી મહેસુલ ઉઘરાવવાની પ્રથા હતી અને ગોંડલ રાજ્યએ તો આઝાદી પહેલા ખેડૂતોને તેઓના કબજા હક્ક આપેલા હતા. સ્વતંત્રતા મળ્યા પછી કલ્યાણકારી રાજ્યની સ્થાપનાના ભાગ રૂપે જમીન સુધારા (Land Reform) કાયદાઓ અમલમાં લાવવામાં આવ્યા, અને એનો બંધારણના શીડયુલમાં પણ સમાવેશ થાય છે.

ત્યારબાદ જમીન સુધારા અંતર્ગત મુંબઇ પ્રાંતમાં ગણોતધારો ૧૯૪૮ અમલમાં આવ્યો, અને ખેડૂત જે સંરક્ષિત ગણોતિયા અને આરક્ષિત ગણોતિયા હતા તેઓને ”ખેડે તેની જમીન” ના સિધ્ધાંત મુજબ તેઓને હક્ક આપવામાં આવ્યા અને કાયદામાં ખેડૂત કોને ગણી શકાય તેની વ્યાખ્યા નક્કી કરવામાં આવી. એ મુજબ ‘ખેડૂત’ એટલે કે ખેતીના વ્યવસાય સાથે સંકળાયેલી વ્યક્તિ જેમાં વંશપરંપરાગત ખેતી કરનાર ઈસમોનો પણ સમાવેશ થાય છે.

તમારી જાણકારી માટે જણાવી દઈએ કે ગણોત કાયદામાં કલમ ૨(૨), ૨(૬)માં જાત ખેતીની વ્યાખ્યા પણ નક્કી કરવામાં આવેલી અને જેમાં ખેતીની જમીન ધારણ કરનાર વ્યક્તિ પણ ફક્ત આઠ કિ.મી.ની મર્યાદામાં ખેતીની જમીન ધારણ કરી શકે અને ૧૫ કિ.મી.ની મર્યાદામાં તેના સુપરવિઝન હેઠળ ખેતી કરી શકે તેવી જોગવાઇ હતી. અને આ ખેડૂતની વ્યાખ્યા અને જાત ખેતીની જોગવાઇઓ ખેતીપ્રધાન દેશમાં ખેડૂતોને તેઓનો હક્ક આપવા અને, દેશના અન્ન ઉત્પાદનમાં અને ખેતીની જમીનોનો કાર્યસાધન ઉપયોગ થાય, અને દેશના અન્ન ક્ષેત્રે સ્વાવલંબી થાય અને ખેતીના વ્યવસાય સાથે જોડાયેલ વ્યક્તિઓના હક્ક જળવાય તે એનો મુખ્ય ઉદ્દેશ છે.

આપણા બંધારણમાં જમીન એ રાજ્યની વિષય સૂચિ (State list) માં હોવાથી દરેક રાજ્યોને જમીનને લગતા અને જમીન સુધારણાને લગતા કાયદાઓ ઘડવાની સત્તાઓ છે. ગુજરાત સરકારે ૧૯૯૮માં ગણોત ધારાની કલમ ૨(૨) અને ૨(૬) કે જે ૮ કિ.મી.ની મર્યાદામાં ખેતીની જમીન ધરાવવા માટે જે પ્રતિબંધ હતો તે દૂર કરેલ અને રાજ્યનો ખેડૂત કોઇપણ જગ્યાએ ખેત જમીન ટોચ મર્યાદાની માત્રામાં ધારણ કરી શકે છે. સૌરાષ્ટ્ર કચ્છ વિસ્તારમાં સૌરાષ્ટ્ર ઘરખેડ કાયદો લાગુ પડે છે. કલમ ૫૪ અને ૫૬ હેઠળ પરવાનગી લેવા પાત્ર થાય છે.

ખેડૂત હોવા અંગેની કસોટી (Test of Agricuturist) :

મિત્રો આ જાણકારી ઘણી મહત્વની છે, ઘ્યાનથી વાંચજો. ગણોત ધારાની કલમ ૬૩ માં ખેડૂત સિવાયની કોઇ વ્યક્તિ ખેતીની જમીન ધારણ ન કરી શકે તેવી જોગવાઇ છે, અને જે વ્યક્તિ ખેડૂત બનવા ઈચ્છતી હોય તે વ્યક્તિ નાયબ કલેકટરની પરવાનગીથી અને જેની વાર્ષિક આવક રૃા. ૫૦૦૦/- (પાંચ હજાર) થી વધુ ન હોય તેવી જ વ્યક્તિ ખેડૂત થઇ શકે. આમ, બિન ખેડૂત વ્યક્તિઓને ખેતીની જમીન ધારણ કરવા માટે પ્રતિબંધ એટલા માટે રખાયેલ છે કે, મૂળભૂત ખેતીના વ્યવસાય સાથે જોડાયેલ વ્યક્તિઓનો જીવન નિર્વાહ થઇ શકે.

ખેતી ઉત્પાદન વધી શકે અને રાજ્ય અને દેશના કૃષિ વૃધ્ધિ દરમાં વધારો થઇ શકે. જો બીનખેડૂત વ્યક્તિ ખેતીની જમીન ધારણ કરતો થાય તો જેમાં જાતે ખેતી કરવાને બદલે વ્યવસાયિક ધોરણે  (Commercial purpose) જમીન કુદરતી સંસાધનો નફાનું સાધન ન બને તે મુળભૂત ઉદ્દેશ છે. જેથી કાયદાની પરિભાષામાં ખેડૂત સિવાયની વ્યક્તિ ખેતીની જમીન કાયદેસર રીતે ધારણ કરી શકતો નથી.

વસીયતનામા (વીલ) હેઠળ સંપ્રાપ્ત થયેલ જમીનો અંગેની માહિતી :

વસીયતનામાની જોગવાઇ (જેને વીલ પણ કહેવાય છે.) મિલ્કત હસ્તાંતરણ અધિનિયમ હેઠળ થયેલ છે. વાસ્તવમાં મૂળ તત્વો પ્રમાણે કોઇપણ વ્યક્તિ સ્વપાર્જિત મિલ્કત પોતાની સ્વસ્થ માનસિક (Sound mind) અવસ્થામાં બે સાક્ષીઓની હાજરીમાં વસીયતનામુ કરી શકે છે. આ વસીયતનામાની ફરજિયાત નોંધણી કરાવવી જરૃરી નથી. સાદા કાગળ ઉપર પણ થઇ શકે છે. જ્યારે વીલ અંગે કોઇ વિવાદ થાય તો તે અંગે કોર્ટમાંથી પ્રોબેટ મેળવવું જરૃરી બને છે.

ઉક્ત મિલ્કત હસ્તાંતરણ અધિનિયમ અને ગણોત કાયદાની કલમ ૬૩ બન્નેનું યોગ્ય સ્વરૃપે અર્થઘટન જરૃરી છે કે જેને કારણે મહેસૂલી કાર્યપધ્ધતિમાં વીલના વસીયતનામાના ઓથા હેઠળ ગુજરાતમાં સંખ્યાબંધ બીનખેડૂત વ્યક્તિઓએ ખેતીની જમીન ધારણ કરી છે. ખરેખર તો તાબાના મહેસૂલી અધિકારીઓ કે જે હક્કપત્રકમાં નોંધ પ્રમાણિત અધિકારી છે. (નાયબ મામલતદાર) તેઓએ આવી કાયદાની જોગવાઇઓ નિષ્ફળ બનાવવાના હેતુથી પ્રમાણિત કરવી જોઇએ નહિ અને વાસ્તવિક સ્થિતિ જોઇએ તો વીલ – વસીયતનામા ખોટી રીતે ઉપજાવી કાઢીને ફક્ત ખેડૂત બનવાના ઈરાદાથી આવી વસીયત થાય છે જે ગેરકાયદેસર નોંધ પ્રથમથી જ બીન કાયદેસર છે.  (Void Ab initio) તે કોઇપણ તબક્કે કાયદેસરતા મેળવી શકતા નથી.

આવી નોંધ પ્રમાણિત નહીં કરવા સૂચના :

તમને જણાવી દઈએ કે આવી હક્કપત્રકની નોંધો કલેકટરશ્રીઓ દ્વારા રીવીઝનમાં લઇને રદ પણ કરવામાં આવે છે. પરંતુ જે ગેરકાયદેસર ખેડૂત બનેલ છે. તેવી સંખ્યાબંધ વ્યક્તિઓ ગુજરાતમાં કોઇને કોઇ જગ્યાએ ખેતીની જમીન ધારણ કરે છે અને આવા મહેસૂલી કોર્ટમાં ચાલતા કેસોના નિર્ણયોમાં પણ એકસૂત્રતા નથી અને તેને કારણે આખા રાજ્યમાં વીલથી થતાં ખેડૂતોમાં મોટા પાયે ગેરરીતિઓ થતી હોવાનું ધ્યાનમાં આવતા બીન ખેડૂતની તરફેણમાં થયેલ વીલની વસીયતનામાની નોંધો પ્રમાણિત ન કરવાની રાજ્યના મહેસુલ વિભાગે સૂચનાઓ આપી છે.

આ બાબતમાં પણ નામદાર વડી અદાલતે શ્રી જયંત પટેલની અધ્યક્ષતામાં મળેલ ડીવીઝન બેન્ચે સર્વગ્રાહી ચૂકાદો આપી વીલથી કોઇપણ બીન ખેડૂત વ્યક્તિ ખેડૂત ખાતેદાર ન બની શકે તેવા માર્ગદર્શક હુકમો કરેલ છે અને સરકારને પણ આ બાબતમાં કલમ ૬૩ હેઠળ અન્ય કાયદાઓના ઓવર રાઈડીંગ ઈફેક્ટ આપીને કાયદામાં સુધારો કરવા જણાવેલ છે.

આ ઉપરાંત નામદાર સુપ્રીમ કોર્ટના ૧૦-જીએલઆર ૯૯૨ કેસમાં સુપ્રીમ કોર્ટે જણાવેલ છે કે હક્ક પત્રકની નોંધો વ્યાજબી સમયમાં રીવીઝનમાં લેવી પરંતુ વીલથી થતા બીન ખેડૂતના કિસ્સાઓમાં તે વ્યવહાર પ્રથમ જ ગેરકાયદેસર હોઇ, ભગવાનજી બાવનજી વિરૃધ્ધ ગુજરાત સરકારના ૧૨ જીએલઆર-૧૫૬માં તેમજ ત્યાર પછીના ૨૦૦૭ના કિસ્સામાં સુપ્રિમ કોર્ટે લાંબા સમય પછી પણ આવા હક્ક પત્રકની નોંધો રીવીઝનમાં લઇ શકાય તેવા હુકમો કરેલ છે.

થોડા સમય અગાઉ ગુજરાત હાઇકોર્ટે બહારના રાજ્યોના જે ખેડૂતો છે તેઓ માટે ખેતીની જમીન ધારણ કરી શકે છે તેવો ચૂકાદો આપવામાં આવેલ પરંતુ તે કેસના ગુણદોષ, ખેતીની જમીન ટોચ મર્યાદાને આધિન છે જેમાં ગણોતધારાની ગુજરાતના ખેડૂત જ ફક્ત જમીન ધારણ કરી શકે છે તેવી જોગવાઇની વિસંગત અર્થઘટનના કારણે નામદાર સુપ્રિમ કોર્ટમાં અપીલ કરવામાં આવેલ છે અને હાઇકોર્ટના હુકમને હાલ પૂરતો સ્થગિત કરવામાં આવેલ છે.

આ રીતે ગણોત ધારાની જોગવાઇઓ હેઠળ ગુજરાતમાં કોઇપણ બીન ખેડૂત વ્યક્તિ વીલથી પણ ખેડૂત બનતો નથી તે સ્પષ્ટ થાય છે. જેથી બીન ખેડૂત વ્યક્તિઓએ કોઇ ગેરસમજ કે કોઇ ખોટા માર્ગદર્શન હેઠળ વીલ યાને વસિયતનામાના આધારે ખેતીની જમીન ધારણ કરવી તે કાયદાકીય રીતે સુસંગત નથી.

માર્ગદર્શન – એચ.એસ. પટેલ IAS (નિ.)

વસિયતનામાના આધાર પર બિનખેડૂત ખેડૂત બનીને જમીન ધારણ ન કરી શકે. ગુજરાતના ગણોતધારા મુજબ બિનખેડૂતની તરફેણમાં થયેલા વસિયતનામાની નોંધો પ્રમાણિત ન કરવા મહેસૂલ વિભાગની સૂચના છે.

અમારો આ લેખ વાંચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને આ આર્ટીકલ પસંદ આવ્યો હશે. જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ એવું “ખેડૂ” પેજ લાઇક કરો અને તમારા દરેક મિત્રો સાથે શેર કરો. આભાર….