શું તમે જાણો છો ગુજરાતના આ પ્રદેશ વિષે જ્યાં ગ્રામજનો રહે છે મગર સાથે

0
1551

ગુજરાત ઘણું મોટું રાજ્ય છે. અહીં તમને અચરજ પમાડે એવું ઘણું બધું જોવા મળી રહે છે. અને આજે અમે એ જ ગરવી ગુજરાતના લોકો વિષે જણાવીશું જે મગર સાથે રહે છે. જી હાં, ગુજરાતનાં કેટલાંક ગામોમાં લોકો ખતરનાક પ્રાણીની યાદીમાં આવતા મગર સાથે રહે છે. આજે અમે તમને એના વિષે થોડી માહિતી આપીશું.

આજે અમે વાત કરીશું ચરોતરની. અહીં તમને મગરો ઘણા વધારે જોવા મળશે. અહીંના ગામોના તળાવો દેખાવમાં સામાન્ય લાગે છે, પણ એમાં અંદર રહે છે મગર. તે તળાવમાં રહેલી વનસ્પતિઓની વચ્ચે છુપાયેલા રહે છે. અને ગામવાસીઓના કહેવા અનુસાર આ મગરો 10 વાગ્યાની આસપાસ બહાર આવે છે. આ ગામોના લોકો અને એમની પેઢીઓ વર્ષોથી મગરની અડોઅડ વસવાટ કરતી આવી છે, આથી તેઓ એમની ટેવ વિષે સારી રીતે જાણે છે.

જો કોઈ બીજી જગ્યાએ આ રીતે મગર જોવા મળે તો લોકોમાં નાસભાગ મચી જાય. પણ સાબરમતી અને મહી નદીની વચ્ચે આવેલા 4000 ચોરસ કિલોમિટર (1544 ચોરસ માઇલ) માં ફેલાયેલા ચરોતરની વાત કંઈક જુદી છે. તમારી જાણકારી માટે જણાવી દઈએ કે ચરોતરના સ્થાનિક એનજીઓ ‘વૉલ્નટરી નેચર કન્ઝર્વન્સી’ ના સર્વેથી જાણવા મળ્યું છે, કે અહીં 30 ગામોનાં તળાવોમાં લગભગ 200 જેટલા મગરો આ રીતે રહે છે.

આ વિસ્તારમાં વસતિની ગીચતા દર ચોરસ કિમીએ 600 લોકોની છે. અને આ વિસ્તારના લગભગ દરેક તળાવ પાસે મગરથી સાવધાન રહેવા માટેની ચેતવણીના બોર્ડ પણ લગાવેલા છે. હવે કોઈ પણ ગામ હોય, ત્યાંના લોકોનું રોજિંદું જીવન તો તળાવોની આસપાસ જ કેન્દ્રિત હોય છે. એવું જ અહીં પણ છે. પણ અહીંના લોકોને મગરની એટલી બીક નથી. તેથી ગામના લોકો ચેતવણીની પરવા કર્યા વિના તળાવોમાં તરવા કૂદી પડે છે, ન્હાવા જાય છે, કપડાં ધોવે છે, પશુઓને ધમારવા લઈ આવે છે અને પોયણા, નાળો વગેરે ઉગાડે છે.

આ ગામોના તળાવમાં રહેતા મગરની વાત કરીએ, તો અહીં મગરો પોતાની રીતે તળાવોમાં ફરતા રહે છે અને માછલીઓનો શિકાર કરીને પોતાનાં બચ્ચાંને ઉછેરે પણ છે. તેમજ તેઓ ધરાઈ જાય ત્યારે કિનારે ચડીને તડકામાં પડ્યા રહે છે, અને આસપાસ ઊગેલાં ઘાસમાં પણ ફરતા હોય છે. ઘણી વાર તો આ મગર પશુઓ, લોકો અને બાળકોની આવનજાવન હોય તે રસ્તે ફરવા પણ નીકળે છે. જે રીતે શહેરોમાં માણસ અને કુતરા રહે છે, એ રીતે અહીંયા રોજબરોજનું જીવન ચાલતું રહે છે અને મગર અને માણસો એકબીજાને નડતા પણ નથી.

મગરની વાત નીકળી છે તો આજે એના વિષે થોડી જાણકારી પણ મેળવી લઈએ. કદાચ કોઈ સરકારી પરીક્ષાના પેપરમાં જનરલ નોલેજમાં કામ લાગી જાય.

મિત્રો ભારતમાં કુલ ત્રણ પ્રકારના ક્રોકોડાઇલ જોવા મળે છે, તેમાંથી આ એક પ્રકારના મગર છે. હિંદીમાં ક્રોકોડાઇલને ‘મગરમચ્છ’ કહે છે અને તેના પરથી ગુજરાતીમાં ‘મગર’ શબ્દ આવ્યો છે. જણાવી દઈએ કે મગર મધ્યમ કદના ક્રોકોડાઇલ હોય છે, જેમાં પુખ્ત વયના મગરની લંબાઈ ત્રણથી ચાર મીટરની હોય છે.

પહેલા ભારતીય ઉપખંડમાં મગર મોટાભાગના વિસ્તારોમાં જોવા મળતા હતા. પણ 1950 અને 1960 ના દાયકામાં શિકારીઓ દ્વારા એમના ચામડાં અને માંસ માટે એમનો શિકાર થવા લાગ્યો જેથી તેમની વસતિ ઝડપથી ઘટવા લાગી. શિકાર ઉપરાંત લોકો મગરના ઇંડા શોધીને પણ ખાવા લાગ્યા હતા. ત્યારબાદ સરકાર દ્વારા મગરને બચાવવા માટેના પ્રયત્નો શરૂ કરાયા અને તે પછી હવે ભારતમાં 3000 થી 4200 મગર બચ્યા હોવાનું મનાય છે. ભારત ઉપરાંત પાકિસ્તાન, નેપાળ, શ્રીલંકા અને ઈરાનમાં પણ મગર જોવા મળે છે.

આપણી સ્થાનિક ભાષામાં ચરોતર એટલે ‘સોનાનો ઘડો’ એવું થાય છે. કારણ કે ખેડૂતો અહીં ધનધાન્યથી સમૃદ્ધ થયા છે. જાણકારી માટે જણાવી દઈએ કે અહીં ચારેય તરફ તમાકુનાં ખેતરો જોવા મળે છે. અહીં જંગલનું નામોનિશાન જોવા મળતું નથી. તો એવામાં પ્રશ્ન એ થાય કે મગરો આવ્યા ક્યાંથી? આ સવાલના જવાબમાં કેટલાક લોકોનું કહેવું છે કે તે પહેલાંથી જ ચરોતરમાં રહેતા આવ્યા છે.

તો અન્ય લોકોનો દાવો છે કે આ વિસ્તારમાં 18 મી સદીના પ્રારંભથી ગાયકવાડનું રાજ આવ્યું ત્યારે રાજવીઓએ તળાવમાં મગરો છોડ્યા હતા, જેથી તેનો શિકાર કરી શકાય. પણ આ વાતમાં સત્ય કેટલું છે એનો કોઈ ઐતિહાસિક પુરાવો નથી.

વિશ્વના અન્ય પ્રદેશો કરતા ચરોતરના મગરોનું વર્તન સૌથી અનોખું છે. ક્રોકોડાઇલ પ્રજાતિમાં મગર ત્રીજા સૌથી ખતરનાક પ્રાણી છે. મગરોના હુમલાનો હિસાબ રાખતી ક્રોકબાઇટ (CrocBITE) સંસ્થાના જણાવ્યા અનુસાર 2018 માં વિશ્વમાં 18 લોકોનાં મૃત્યુ મગરના હુમલાને કારણે થયા હતા. ગુજરાતમાં ચરોતરથી 40 કિમી દૂર આવેલી વિશ્વામિત્રી નદીમાં પણ મગરો રહે છે. જાણકારી અનુસાર વર્ષ 2011 અને 2012 માં મગરોએ હુમલા કરીને 8 લોકોને ઘાયલ કર્યા હતા અને 2 નાં મોત થયાં હતાં.

થોડા સમય પહેલા એવો નિર્ણય લેવાયો છે કે સરદાર સરોવર ડૅમમાં રહેતા 300 થી 500 મગરોને ત્યાંથી અન્ય સ્થળે ખસેડવાના છે. આ નિર્ણય લેવા પાછળનું કારણ આ ડૅમમાં સી-પ્લૅન લૅન્ડ થઈ શકે તે માટેનું ટર્મિનલ બનાવવાનું છે. પણ આ નિર્ણયથી ઘણા નિષ્ણાતો ચિંતામાં પડ્યા છે.

આ બાબતે નિષ્ણાતોનું કહેવું છે, કે મગરને જ્યાં છોડી દેવામાં આવે ત્યાં તેઓ રહેતા નથી. તે પોતાના મૂળ નિવાસે પાછા અવવા પ્રયત્ન કરતા હોય છે. તેના કારણે માર્ગમાં વચ્ચે નિર્દોષ લોકોનો ભેટો થઈ જાય તો તેમના પર જોખમ ઊભું થઈ શકે છે. આ વિસ્તારમાં મગર અને મનુષ્ય વચ્ચે થઈ રહેલા સંઘર્ષમાં વધારો થઈ શકે છે.

વૉલન્ટરી નેચર કન્ઝર્વન્સી સંસ્થાએ નોંધ્યું છે કે ચરોતરમાં છેલ્લાં 30 વર્ષમાં મગરના માત્ર 26 હુમલાના બનાવો થયા છે. તેમાંથી 8 કિસ્સામાં વ્યક્તિને સામાન્ય ઈજા થઈ હતી. અને 2009 માં નવ વર્ષની એક બાળકીનું મૃત્યુ થયું હતું. તે સિવાયના બાકીના 17 હુમલા માત્ર પાલતુ પશુઓ પર થયા હતા. મલતાજમાં વન વિભાગે તળાવના કિનારાની નજીક વાડ કરી છે, જેથી લોકો મગરથી સલામત દૂર રહીને પાણીનો ઉપયોગ કરી શકે. જોકે, ગામના લોકો કહે છે કે મગરો શાંત છે. તે લોકો આવી વાડ ઇચ્છતા નથી અને તેની જાળવણી પણ થતી નથી.

વન વિભાગ દ્વારા બનાવેલી વાડ ઘણી જગ્યાએ તૂટી ગઈ છે, અને તેમાંથી મગર બહાર આવીને કોઈનો પણ પગ પકડીને ખેંચી શકે છે. જોકે, દિવસ દરમિયાન ઘણા લોકો તળાવે આવે છે, પણ ક્યારેય મગર એવી રીતે હુમલો કરતા નથી. મગરો પણ મનુષ્યોની હાજરીથી ટેવાઈ ગયા હોય તે રીતે ભાગ્યે જ હુમલો કરે છે. એમજ ગામના લોકો મગરનો બચાવ પણ કરતા રહેતા હોય છે. ઉદાહરણ રૂપે પેટલી ગામમાં તળાવના કિનારે રહેતા કુટુંબની બકરીને મગર તાણી ગયો હતો. તેને સ્વીકારીને કુટુંબના વડીલ કહે છે, “એ બકરી એના ભાગ્યમાં લખી હશે. એટલે તે લઈ ગયો.”

તેમના ઘરની બાજુમાં જ મગરે બખોલ બનાવેલી છે. મગરો ઉનાળમાં આવી ઊંડી બખોલમાં રહે છે. ઘણીવાર રસ્તાની નીચે મગર બખોલ બનાવી દે છે, તેના કારણે રસ્તો બેસી જાય તેવો ભય રહે છે. આવી બખોલને કારણે કિનારે આવેલા ઘરો પર પણ જોખમ હોય છે. મલતાજ ગામમાં હાલમાં જ એક મકાનનું ભોંયતળિયું આના કારણે બેસી ગયું હતું. સદનસીબે કોઈને ઈજા થઈ નહોતી. આવી મુશ્કેલીઓ છતાં ચરોતરના લોકો પોતાના મગરો માટે ગૌરવ ધરાવે છે.

દેવા ગામમાં સૌથી વધુ મગરો છે, પણ મલતાજ ગામના લોકો પોતાને ‘મગરોનું ગામ’ તરીકે ઓળખાવા માંગે છે. એક રસપ્રદ કિસ્સો એ પણ છે કે ગામના લોકોએ એક મગરની અંતિમયાત્રા પણ કાઢી હતી અને ખોડિયાર માતાનું મંદિર પણ બાંધ્યું છે. એ તો તમે જાણતા જ હશો કે ખોડિયાર માતાનું વાહન મગર છે.

મલતાજ ગામનાં ઘણાં ઘરોમાં ખોડિયાર માતાની રંગીન છબી ટાંગેલી હોય છે. મગરો અને મનુષ્યો વચ્ચે સહઅસ્તિત્વનું કારણ માત્ર માતાજી હશે તેમ માની લેવું સરળીકરણ કરવા જેવું થશે. હકીકતમાં ગામના લોકોને પ્રાણીઓ પસંદ છે. ગામના સરપંચ દુર્ગેશભાઇ પટેલ કહે છે કે તેઓ બીજું તળાવ ખોદાવા માંગે છે, જેથી મગરો વધારે મોકળાશથી રહી શકે.