જાણો કઈ રીતે અમદાવાદની સિવણકામ કરતી મહિલા બની ‘ઈન્દુબેન ખાખરાવાળા’

0
2434

ગુજરાતી લોકો ખાવા પીવાના ઘણા શોખીન હોય છે. દરેક ગુજરાતીને જલેબી, ગાંઠિયા, ખમણ, ઢોકળા, ફાફડા, થેપલા અને ખાખરા વગર તો ચાલતું જ નથી. બીજી પણ ઘણી વાનગીઓ છે જે ગુજરાતમાં ઘણી ફેમસ છે પણ આ મુખ્ય છે. સવારના ચા-નાસ્તામાં આ બધા માંથી કોઈ એક વસ્તુ તો જોઈએ જ.

અને આ બધી વસ્તુ ગુજરાતીઓની ઓળખાણ બની ગઈ છે. અને આ બધી વસ્તુઓએ ઘણા લોકોને દુનિયામાં એક અલગ ઓળખાણ પણ અપાવી છે. આજે અમે તમને એક એવી મહિલા વિષે જણાવીશું જે દુનિયામાં ખાખરાવાળાના નામથી પ્રખ્યાત થયા હતા. આજે અમે તમને એ મહિલાના સંઘર્ષની સ્ટોરી જણાવીશું.

એ મહિલા છે અમદાવાદના એક મધ્યમવર્ગના પરિવારમાં જન્મેલી છોકરી ઈન્દુબેન ઝવેરી. ઈન્દુબેન ઝવેરીનો જન્મ 1928 માં થયો હતો, અને પોતાની મહેનત અને લગનથી એમણે ‘ઈન્દુબેન ખાખરાવાળા’ ના નામથી ખ્યાતિ મેળવી. આજથી લગભગ 55 વર્ષ પહેલા જયારે મહિલાઓને બહાર નીકળવાની પણ આઝાદી ન હતી ત્યારે ઈન્દુબેને જે કરી દેખાડ્યું એ દરેક મહિલાઓને એક ઉત્તમ ઉદાહરણ પૂરું પાડે છે.

આ રીતે કરી એમણે શરૂઆત :

ઈન્દુબેને એ સમયે એસએસસી પાસ કર્યુ હતું. અને એમના પતિ એક મિલમાં મજૂરી કરતા હતા. અને જેમ-તેમ કરીને એમના ઘરનું ગુજરાન થતું હતું. આથી ઈન્દુબેને ઘરમાં આર્થિક મદદ કરવા પહેલા તો સિવણકામ કરવાનું શરુ કર્યુ. પણ એમાં એમને મહેનતના પ્રમાણમાં વળતર મળતું ન હતું. આથી એમણે કઈંક બીજું કામ કરવાની શરૂઆત કરી.

એ દરમ્યાન એમને ખાખરા વેચવાનું કામ મળ્યું. એમણે જુના અમદાવાદમાં ફતેસિંહની વાડીમાં ઓસ્વાલ કમ્યુનિટી દ્વારા શરુ કરાયેલા ડિસ્ટ્રીબ્યુશન સેન્ટરમાં કામ કરવાનું શરુ કર્યુ. ત્યાં ઈન્દુબેન પાર્ટ ટાઈમમાં બપોરે 12 થી 4 વાગ્યા સુધી ખાખરા વેચવાનું કામ કરવા લાગ્યા.

વહેલી સવારે 4 વાગ્યે ઉઠીને બનાવતા ખાખરા

અહીં કામ કરતા સમયે એમને વિચાર આવ્યો કે નોકરી કરવા કરતા પોતાનો કોઈ ધંધો હોય તો વધારે સારું રહે. અને એમણે 1965 માં જાતે જ ખાખરા બનાવવાનું શરુ કરી દીધું. એના માટે એમણે ઓર્ડર લેવાના શરુ કર્યા. જેને ખાખરા બનાવવા હોય તે એમને લોટ આપી જતા અને ઈન્દુબેન ખાખરા બનાવીને એમની મજૂરીના પૈસા લેતા. હવે મહિલાએ આ બધા કામ ઘરના અન્ય કામોની સાથે જ કરવા પડે છે. એટલે તે સવારે 4 વાગ્યે ઉઠીને ખાખરા બનાવવાનું શરુ કરી દેતા હતા.

પછી ધીમે ધીમે એમના ખાખરાની પ્રશંસા થવા લાગી. ત્યારબાદ તેઓ જાતે જ બધી સામગ્રી લાવી ખાખરા બનાવીને વેચવા લાગ્યા. ધીમે ધીમે ગ્રાહક વધારવાના લક્ષ્ય માટે એમણે એમાં નવી નવી વરાયટીનો સમાવેશ કર્યો. અને એમના ખાખરા વધારે પ્રખ્યાત થવા લાગ્યા. એમના બનાવેલા ખાખરા પ્રખ્યાત થવાનું મુખ્ય કારણ એ હતું કે તે લોટ, તેલ, મસાલા દરેક વસ્તુઓ એકદમ શુદ્ધ વાપરતા હતા. અને અમદાવાદીઓને એમના ખાખરાનો ચસ્કો લાગી ગયો.

એ સમયે ધીમે ધીમે અમદાવાદનો પણ વિકાસ થઇ રહ્યો હતો. અને એવામાં ઈન્દુબેને થોડા સમયમાં પોતાના ભાઈની મદદ લઈને બે માળનું મકાન ખરીદ્યું અને ત્યાં શિફ્ટ થઇ ગયા. એમનો બિઝનેસ પણ વધતો ગયો અને પછી એમણે પાછું વળીને જોયું નથી. વર્ષ 1981 માં ઈન્દુબેનનું લીવર કેન્સરને કારણે મૃત્યુ થયું. એમની જવાબદારી એમના દીકરા હિરેનભાઈ અને એમની પત્ની સ્મિતાબેને સંભાળી. એમણે બિઝનેસને વધુ ઊંચો લઇ જવા માટે ખાખરાની સાથે બીજો ગુજરાતી નાસ્તો પણ વેચવાનો શરુ કર્યો.

પછી ત્રીજી પેઢીની એમના ધંધામાં એન્ટ્રી થઇ. આ પેઢી એટલે કે ઈન્દુબેનના દીકરાના દીકરા અંકિત અને નિશિત એમાં જોડાયા. તેઓ એમાં મોર્ડન ટચ આપ્યો. એમણે પોતાના પાર્ટનર સત્યેન શાહ સાથે મળીને સાંતેજમાં 20,000 સ્કવેર ફૂટનો એક પ્લાન્ટ શરુ કર્યો. આ પ્લાન્ટમાં મશીનથી અને હાથથી એમ બંને રીતે ખાખરા બનાવવામાં આવે છે. અને આ પ્લાન્ટથી 100 થી વધુ લોકોને રોજગારી પણ મળી રહી છે.

6 દેશોમાં થાય છે એમની પ્રોડક્ટની નિકાસ :

હાલમાં ઈન્દુબેન ખાખરાવાળાની પેઢી આઈકેસી (IKC) નામની બ્રાન્ડથી ખાખરા વેચે છે. અને આ બ્રાન્ડ 100 થી વધુ વેરાયટીના ખાખરા તમને મળશે. અને તેઓ 6 થી વધુ દેશોમાં એની નિકાસ પણ કરે છે. માત્ર અમદાવાદમાં જ આ બ્રાન્ડના 7 આઉટલેટ છે. મુંબઈમાં પણ મલબાર હીલ વિસ્તારમાં તમને ઈન્દુબેનના ખાખરા વેચાતા મળી રહેશે. આ સંસ્થાના વિકાસમાં સૌથી મોટો હાથ ઈન્દુબેનનો છે. એમણે જે મહેનત કરી છે એનું પરિણામ આજે તમે જોઈ શકો છો.