પાંડવોએ બનાવેલું ખીમેશ્વર મહાદેવ મંદિર છે પોરબંદરની શાન, પોરબંદરની પવિત્ર ધરતી વિષે નહિ જાણતા હોવ તમે

0
2058

પ્રાચીન સુદામાપુરી એટલે અર્વાચીન પોરબંદર. અકિંચન સુદામા અને કૃષ્ણ નામ સ્વરૂપ અકિંચન મોહનની જન્મભૂમિ તે આજનું પોરબંદર. મોરબી રાજ્યના પારંપરિક રાજવીએ ૧૧૯૩માં પોરબંદર શોધેલું.

મધ્યયુગની હડપ્પા સંસ્કૃતિ દરમ્યાન અહીં દરિયાઈ પ્રવૃત્તિઓ થતી. દરિયાના ઘૂઘવાતા, પટ પર પછડાતા મોજાંમાં સરકતી રેતી પર ઊભા રહીએ તો નીર (પાણી) સ્વયમ્ એની વાર્તા કહે. ખારા પવનની પાવડી પર સવાર થઈ જઈએ તો પૌરાણિક કાળમાં પહોંચી જઈએ. સોળમી સદીમાં તો અહીં પાકતા પાણીદાર મોતીની નિકાસ અરબી સમુદ્ર પારના દેશોમાં થતી. પોરબંદર નગરને ઋષિકુળ પરંપરાના શિક્ષણ સંકુલો, હૂજુર પેલેસનો વૈભવ અને ચોપાટીનું મસ્ત વાતાવરણ સ્પર્શે છે.

પક્ષી અભયારણ્ય, બરડાના ડુંગરા ઉપરાંત શ્રધ્ધાના સોપાન એવા પ્રાચીન, મધ્યકાલીન અને અર્વાચીન મંદિરોનો લાભ સુદામાપુરી માંથી પોરબંદર થયેલા આ શહેરને મળ્યો છે. કહેવાય છે કે રાજપૂત રાજા જેઠવા કળાપ્રેમી હતા. બાર પૌરાણિક ઐતિહાસિક નગરોમાંના એક એવા પોરબંદરની રચના સુયોજિત અને ચોકસાઈપૂર્વકની હતી.

આજના સ્થપતિઓ એને આદર્શ ગણી એમાંથી માર્ગદર્શન લે છે. વૈશ્વિક ધોરણે આધુનિક – સુખ્યાત ટાઉન પ્લાનર્સ પણ એનાથી આકર્ષાય છે. પહોળા રસ્તા, ફૂટપાથ, એકસરખી ઈમારતો, રસ્તાને ચોક્કસ ખૂણે ચોક, ફુવારા, બાગ-બગીચા, મંદિરો એ અનોખા પોરબંદરની કલગીઓ છે. ચારેકોર સોફટ સ્ટોનના કોતરણીવાળા કલાત્મક બાંધકામને કારણે તે શ્વેત શહેર તરીકે પ્રખ્યાત થયેલું.

”પૌરવ” દેવીના નામ પરથી પોરબંદર નામ પડયું એવી લોકવાયકા :

આધુનિક અને અતિ આધુનિક કહેવાતા યુગમાં વિશ્વ આખું પળોટાયેલું છે, ત્યારે પોરબંદર એમાંથી બાકાત શી રીતે રહે? એ ઝડપ તો ચાલુ જ રહે પણ આ શહેર અનેક પ્રાચીન, મધ્યકાલીન મંદિરો અને મહેલો જેવા સ્થાપત્યોના સાનીધ્યમાં પોરસાયું છે. અલબત્ત, યોગ્ય રખાવટમાં થાપ ખાઈ જવાને કારણે આપણી કેટલીક મોંઘેરી વિરાસતો તહસ-નહસ થઈ ગઈ છે.

આશાના કિરણ સમાન વાવડ એવા છે કે ભારત સરકારના પુરાતત્ત્વ ખાતાએ ખંડેર થતા જતા આપણા વૈશ્વિક વારસાને પ્રાણવાયુ પૂરો પાડવાનું બીડું ઝડપ્યું છે. પોરબંદરના નોંધપાત્ર મંદિરોમાં ભૂતનાથ મહાદેવ, ભાવેશ્વર મંદિર, સત્યનારાયણ મંદિર, રામધૂન મંદિર, જડેશ્વર મંદિર, બિલેશ્વર મહાદેવ, ચાડેશ્વર મંદિર, સુદામા મંદિર, ખીમેશ્વર મહાદેવ ઈત્યાદિનો સમાવેશ થાય છે. જેમાં શ્રધ્ધા અને સ્થાપત્યની દ્રષ્ટિએ સૌંદર્યનો સંગમ જોવા મળે છે.

પોરબંદરથી દ્વારકા તરફ દોરી જતા હાઈવે પર દરિયા કિનારે પંદર કિલોમીટર છેટે કુછડી નામના નાનકડા નસીબદાર ગામને ખીમેશ્વર મહાદેવનો લ્હાવો પ્રાપ્ત થયો છે. પુરાતત્ત્વ ખાતાના સર્વેક્ષણ મુજબ સોળસો વર્ષ જુના આ મંદિરનો ૧૮૨૩માં પોરબંદરના મહારાજા ખીમજી જેઠવાએ મહારાણી રૂપાળીબાની પ્રેરણાથી રૂપાળો જીર્ણોદ્ધાર કરાવ્યો હતો. તેથી જ તેનું નામ ખીમેશ્વર મહાદેવ પડયું.

કુછડી એટલે ”ટ્રેઝર હન્ટ” દરમ્યાન મળતી મંજીલ :

પાંડવકાળનું આ મંદિર પશ્ચિમમુખી છે જે પૌરાણિક અને દુર્લભ છે. પાંડવોના દેશાટન દરમ્યાન ભીમ અને અર્જુનને રેતીના ઢગલામાંથી શિવલિંગ જડી આવેલું અને પરિવારની ઉપસ્થિતિમાં એમણે આ મંદિરની રચના કરી હતી. આ સ્થળનું ઐતિહાસિક મહત્ત્વ એ છે કે પાંડવો અહીં થોડુંક રોકાઈને શિવ આરાધના અને પૂજા કરી વનવાસ પંથે આગળ વધેલા.

હવે તે ઐતિહાસિક સ્મારકની યાદીમાં સચવાઈ રહ્યું છે. સાથે સાથે સુંદર દરિયા કિનારો અને પવન ચક્કીઓનો તેને લાભ છે. આ એકલવાયા મહાદેવનો વિસ્તાર શાંત છે. વાતાવરણ પવિત્ર અને મંદિર વણખેડાયેલું છે. અરે ! દરિયો પણ કદીક એકલો મૂંઝાતો લાગે છે ! ચોખ્ખા ચણાક કિનારા પર ખુલ્લા પગે ચાલી આ છૂપા રત્નને છાતીસરસું ચાંપવાનું મન થાય.

સુંદર સોનેરી સવાર સૂર્યોદય સાથે અને સૂર્યાસ્ત સમયે સોનેરી સલૂણી સંધ્યા માણવા જેવી ખરી. નવી બંદર નજીક ‘ક્રીક’ (નદીનો ફાંટો) ને પાર કરીને પણ પોરબંદર જવાય. આ રક્ષિત સ્મારકના પરિસરમાં લીલોતરીની સાથે આંતરિક શાંતિનો અનુભવ થાય.

સો વર્ષની આયુના આંબલી વડલાનો વૈભવ ખીમેશ્વરજીને :

શ્રી ખીમેશ્વર મહાદેવ-કુછડી પોરબંદર ખાતેનું ગુજરાતનું એવું અદ્વિતીય મંદિર છે, જેના પરિસરમાં અન્ય અનેક મંદિરોનો સમૂહ છે. ઈ.સ.ની છઠ્ઠીથી સોળમી સદીના ભિન્ન ભિન્ન કલા શૈલીના કુલ સાત મંદિરો અહીં છે. ખુલ્લામાં બાવન વીર અને ચોસઠ જોગણીના પાળિયા છે. પાંચ પાડવોની સ્મૃતિ પાળિયા સ્વરૂપે અહીં મોજૂદ છે.

સૌથી નાની ગણેશ દેરી હાથી મસ્તક આકારની સમગ્ર ગુજરાતમાં એક માત્ર દેરી છે. આ ઉપરાંત નાના નાના મંદિરો અને પગથિયાવાળી વાવ છે. શિવ પાર્વતી સજોડે ભક્તોને આશિષ આપતા અહીં બિરાજે છે. પુરાતત્ત્વખાતાની દ્રષ્ટિએ પ્રસ્તુત મંદિર સંકુલમાં આવેલું નવદુર્ગા મંદિર પ્રાચીનતમ શ્રીસ્થળ છે.

મુખ્ય શિખર આખાય વિસ્તારનું સૂનાપણું દૂર કરીને ભાવકોને પોતાની તરફ આવવા પ્રેરે છે. એ સાધારણ કલાકારીગરી ધરાવે છે. મુખ્ય મંદિરના સ્તંભો અને દરિયા તરફની પરસાળ રસિકજનોની આવતા સ્વાગતા ભાવપૂર્વક કરી તેમની આંખોને ઠારે છે અને દિલને ભરી દે છે. આંગણામાં આવતા પક્ષીઓનું પણ સ્વાગત અહીં હૃદયપૂર્વક કરાય છે જે સર્વે જીવો પ્રત્યેની પ્રીતિને ઉજાગર કરે છે. સ્થાપત્ય સાદું છતાં અલગ છે.

લસરકો: સાદાઈમાં સંગોપિત છે અનેરું આગવું સૌંદર્ય.

રસવલ્લરી – સુધા ભટ્ટ