ઘરે જ બનાવો ગુજરાતીઓની સૌથી વધુ પ્રિય ડીશ નાયલોન ખમણ, જાણો એને બનાવવાની રીત

0
13023

નમસ્કાર મિત્રો, તમારા બધાનું અમારા લેખમાં સ્વાગત છે. આજે અમે તમારા માટે નાયલોન ખમણ બનાવવાની રેસીપી લઈને આવ્યા છીએ. તો આજે આપણે શીખીશું ગુજરાતીઓનું પ્રસિદ્ધ ફરસાણ નાયલોન ખમણ બનાવતા. આ ખમણ એકદમ સોફ્ટ હોય છે એટલે એને નાયલોન ખમણ કહેવાય છે, અને એને ઘરે બનાવવું ખુબજ સરળ છે. તમે આને બનાવવા થોડી વસ્તુનું ધ્યાન રાખશો તો તમારા નાઈલોન ખમણ એકદમ માર્કેટ જેવા જ બનશે.

એની રેસીપી વિષે તમે સૌથી નીચે વિડિઓમાં પણ જોઈ શકો છો.

ખમણ માટે જરૂરી સામગ્રી :

2 કપ બેસન

300 ml પાણી

1 નાની ચમચી મીઠું

1 નાની ચમચી ખાવાનો સોડા

1 નાની ચમચી લીંબુના ફૂલ

વઘાર માટેની સામગ્રી

100 થી 150 ml પાણી

મીઠું સ્વાદ અનુસાર

5 મોટી ચમચી સાકર

0.5 મોટી ચમચી રાઈ

1/4 નાની ચમચી જીરું

કોથમીર

2 થી 3 કાપેલા મરચા

8-10 મીઠો લીમડો

3 મોટી ચમચી તેલ

નાયલોન ખમણ બનાવવાની રીત :

નાયલોન ખમણ બનાવવા માટે આપણે સૌથી પહેલા વાસણને ગ્રીસ કરી તેને ગરમ કરવા મૂકી દઈશું. હવે બેસનને ચાળી નાખો અને તેને એક કપમાં ભરી દેવું (માર્કેટમાં મળતા મેઝરિંગ કપ અને સ્પૂન જરૂરી છે). ધ્યાન રાખો કે જયારે તમે બેસનનો લોટ કપમાં નાખો છો, તો તેને દબાવીને નાખવો નહિ. તેને ભરીને તેને લેવલ કરવા ચમચી કે હાથ દ્વારા કપની ઉપરના લોટનું બરોબર લેવલ કરી એક તપેલીમાં નાખી દો. તેજ રીતે બે કપ લોટ તેમાં નાખી દો. તેજ પ્રમાણે લીંબુના ફૂલ અને મીઠું હાથથી લેવલ કરીને એક નાની ચમચી તેમાં નાખી દેવા.

હવે ખમણ માટેનું ખીરું બનાવવા માટે શક્ય હોય તો મોટું વાસણ લેવું, જેથી સોડા સારી રીતે મિક્ષ કરતા ફાવે. કારણ કે સોડા એડ કર્યા પછી તે ડબલ થઇ જાય છે.

તેમાં થોડું થોડું પાણી નાખી તેનું ખીરું બનાવી લેવું, પાણી થોડું થોડું એડ કરવાથી ખીરું એકદમ સ્મૂથ બને. અને તેને સારી રીતે હલાવતા રહેવું જેથી લીંબુના ફૂલ સારી રીતે ઓગણી જાય. લીંબુના ફૂલ સંપૂર્ણ ઓગણી જાય ત્યાં સુધી મિક્ષ કરતા રહેવાનું છે. ત્યારબાદ તેમાં ખાવાનો સોડા એડ કરવાનો છે. આ સોદાને પણ એવી જ રીતે લેવલ કરી 1 નાની ચમચી તેમાં એડ કરી નાખવી. ધ્યાન રાખવું કે સોડા હમેશા ફ્રેશ જ ઉપયોગ કરવો. જુનો વાપરવાથી જોઈએ એટલું રીઝલ્ટ નથી મળતું. અને ખાસ ધ્યાન રાખો કે સોડા નાખ્યા પછી ખીરાને એકજ સાઈડ હલાવો અને આ પ્રોસેસ શક્ય તેટલી ઝડપથી કરવી. જયારે સોડા બરોબર એડ થઇ જાય ત્યારબાદ જે વાસણ ગરમ કરવા મુકેલ છે તેમાં ખીરું એડ કરી દેવાનું છે.

હવે ખીરું નાખ્યા પછી તેના ઉપર કંઈક ઢાંકીને તેને ફૂલ ગેસ ઉપર 20 મિનિટ માટે સ્ટીમ કરી લેવું. હવે 20 મિનિટ પછી આપણા ખમણ તૈયાર છે. હવે આપણે ગેસ ફૂલ રાખીને આ ઢાંકણું ખોલી લેવું, જો તમે ગેસને ધીમે રાખીને ઢાંકણું ખોલો છો તો અંદરની વરાળનું પાણી ખમણ ઉપર પડશે એટલે ગેસ ફૂલ રાખીને તેને ખોલવું. હવે ખમણ તૈયાર છે એટલે ગેસને બંધ કરી તેને બહાર નીકળી લેશું. ત્યાર બાદ ખમણને ચોરસ ટુકડામાં કાપી નાખવાના છે.

હવે આપણે તેનો વઘાર તૈયાર કરીશુ. વઘાર તૈયાર કરવાની રીત :

સૌથી પહેલા એક કઢાઈમાં તેલ ગરમ કરવા મૂકી દો. તેલ ગરમ થાય ત્યારે ગેસને ધીમે કરી તેમાં રાઈ ઉમેરો. રાઈ તૈયાર થઇ જાય ત્યારે તેમાં જીરું, કાપેલા મરચા નાખી બધાને સારી રીતે હલાવો, અને જયારે મરચા બરોબર તળાઈ જાય ત્યારબાદ તેમાં લીમડો નાખો. લીમડો નાખ્યા બાદ થોડું હલાવી જે પાણી છે તેને એડ કરીશું. અને ગેસને ફૂલ કરી નાખવો. હવે એમાં સાકર ઉમેરો, હવે જે પાણી એડ કર્યુ છે તેના મીઠું એડ કરીશું, સાકર ઓગળી જાય ત્યાર બાદ તેને બે મિનિટ સુધી તેને ફૂલ ગેસ ફૂલ કરી ઉકાળી લેવું.

હવે આ વઘારનો કલર બદલાઈ જશે. ત્યારબાદ ગેસને બંધ કરીને જે કાપેલા ખમણ છે તેની ઉપર એડ કરી દઈશું. એની ઉપર થોડી સમારેલી કોથમીર એડ કરશું. 5 મિનિટ રહેવા દઈને તેને ઉપયોગમાં લેશુ. હવે આપણા ખમણ તૈયાર છે. આ સ્વાદિષ્ટ ખમણ ચણાના લોટની ચટણી સાથે પણ ખાવામાં આવે છે. જેને કઢી પણ કહેવાય છે. તમે આને બનાવવામાં જે પ્રકિયા બતાવવામાં આવે છે તે રીતે કરશો તો તમારા ખમણ માર્કેટ જેવા બનશે. આને બનાવવા હમેશા બેસનનો ઉપયોગ કરવો અને એના વઘાર પ્રોપર ધ્યાન રાખશો તો તમારા ખમણ માર્કેટ જેવા બનશે.

વીડિયોમાં શીખવા નીચે જુઓ .

જુઓ વિડિઓ :