આ પટેલ ભાઈઓ ખાલી હાથે ગયા હતા અને મહેનત કરી અમેરિકામાં બનાવી 13 હજાર કરોડની કંપની

0
2797

ભારતમાં અને ભારતની બહાર આપણા ગુજરાતીઓ પોતાનો ડંકો વગાડી રહ્યા છે. તમે જે તરફ નજર નાખો એ તરફ ગુજરાતીઓ તમને જોવા મળશે. દરેક બાજુ આપણી બોલબાલા છે. એનું સૌથી મોટું ઉદાહરણ મુકેશ અંબાણી તેમજ નરેન્દ્ર મોદી છે. પણ આજે અમે તમને એમની નહિ પણ એમના સિવાયના બે એવા ગુજરાતી ભાઈઓની વાત કરીશું જેમણે અમેરિકામાં પોતાનું સામ્રાજ્ય ઉભું કર્યુ છે.

આજે અમે તમને આ લેખના માધ્યમથી એમની મહેનત અને ધગસની વાત તમને જણાવીશું. એમનો આત્મવિશ્વાસ એમને ક્યાં સુધી લઇ ગયો એ આજે અમે તમને જણાવીશું. જયારે તેઓ અમેરિકા ગયા હતા ત્યારે એમની પાસે માત્ર 1000 રૂપિયા હતા. પણ પોતાની મહેનત, આત્મવિશ્વાસ અને સુઝબુઝને કારણે આજે તેઓ કરોડો ડોલરની સંપત્તિના માલિક છે.

મિત્રો ઘણા વર્ષો અગાઉ ગુજરાતના ચિરાગ પટેલ અને એમના ભાઈ ચિંટુ પટેલ અમેરિકા જઈને સ્થાયી થયા હતા. પણ ત્યારે એમની પાસે માત્ર 1000 રૂપિયા જ હતા. એમની પાસે બીજું કાંઈ હતું નહિ. પણ આજની તારીખમાં તેમની પોતાની 13,000 કરોડની કંપની છે. અને બીજી નાની મોટી પ્રોપર્ટી તો અલગ. આ બંને ભાઇઓની પોતાની “એમનીલ ફાર્માસ્યૂટિકલ્સ” નામની કંપની છે, જે અમેરિકામાં પાંચમું સ્થાન ધરાવે છે. અને તે અમેરિકાની જેનેરિક દવાઓનું ઉત્પાદન કરતી મોટામાં મોટી કંપનીઓ માંથી એક છે.

સાથે સાથે તમને જણાવી દઈએ કે તેમની કંપનીનું ટર્નઓવર કુલ મળીને બે બિલિયન ડોલર છે. એટલે કે અંદાજે 12,800 કરોડ રૂપિયા. મળેલી જાણકારી અનુસાર અમેરિકામાં જેટલા પણ ડોક્ટર છે તેમાંથી મોટેભાગે બધા ડોક્ટરો આ પટેલ બંધુઓની કંપનીની દવાઓ લેવાનું પસંદ કરે છે.

તેમના પરિવારની વાત કરીએ તો તેમના પિતા એક સમયે ભારતમાં ડ્રગ રેગ્યુલેટરીમાં ઈન્સ્પેક્ટર હતા. અને તેઓ 45 કુટુંબના બહોળા પરિવારમાં ઉછરીને મોટા થયા છે. તેઓ જયારે ઈ.સ. 1987 માં અમેરિકા ગયા હતા ત્યારે એમની પાસે માત્ર 1000 રૂપિયા હતા. ત્યાં ગયા પછી ચિરાગ પટેલે આઈ.ટી. ક્ષેત્રમાં હાથ અજમાવ્યો. જયારે ચિંટુ પટેલ પોતાના પિતાના પગલે ચાલ્યા અને પછી ત્યાં તેમણે ફાર્મા સેકટરમાં પોતાની કંપનીની સ્થાપના કરી.

અમેરિકામાં જયારે તેઓ ફાર્માસિસ્ટ તરીકે હતા, ત્યારે જેનેરિક સબ્સ્ટિટ્યુશનનો ભાવ અંદાજે 40 ટકાની નજીક હતો. એ સમયે તેઓ લોકોને એકદમ વ્યાજબી ભાવે જ દવાઓ આપતા હતા. ત્યારબાદ તેમના પિતાના કહેવા અનુસાર બંને ભાઈઓએ ભેગા મળીને તેમની પોતાની કંપની એમનીલની સ્થાપના કરી.

આજની તારીખમાં તેમના દ્વારા સ્થપાયેલી આ કંપની એમનીલમાં યુ.એસ એફ.ડી.એ દ્વારા મંજૂર કરવામાં આવેલ કુલ મળીને 140 થી પણ વધુ જેનેરિક દવાઓ બનાવવામાં આવે છે. જાણકારી માટે જણાવી દઈએ કે એમનીલ આખા વિશ્વમાં સૌથી ઝડપી વિકાસ કરતી ફાર્મા કંપનીઓ માંથી એક છે. આ કંપનીમાં હાલ એશિયા, યુરોપ અને અમેરિકામાં એમ કુલ મળીને 5000 થી પણ વધારે કર્મચારીઓ કામ અર્થે સંકળાયેલા છે.

અશક્ય કંઈ હોતું નથી. આપણામાં એને શક્ય કરવાની હિંમત હોવી જોઈએ. સખત મહેનત અને મજબૂત મનોબળ દ્વારા આપણે આપણા દરેક સપના પુરા કરી શકીએ છીએ. અને આ બે પટેલ ભાઈઓએ સાબિત કરી દેખાડ્યું છે.