રાણી લક્ષ્મીબાઈ આ કિલ્લાની 100 ફૂટ ઊંચી દીવાલ પરથી કૂદી ગઈ હતી, અંગ્રેજોને દેખાડી હતી એમની ઔકાત

0
2435

ભારતમાં ઘણા વીર અને વીરાંગનાઓએ જન્મ લીધો છે. એમાંથી જ એક છે રાણી લક્ષ્મીબાઈ. એમણે પોતાના જીવનમાં ઘણા કારનામાં કર્યા છે. અને આજે અમે તમને આ લેખના માધ્યમથી એમના જીવનનો એક એવો કિસ્સો જણાવીશું, જેના વિષે કદાચ તમે પહેલા નહિ જાણ્યું હોય.

રાણી લક્ષ્મીબાઈ ભારતની એ વીરાંગના હતી જેમણે અંગ્રેજોને એમની ઔકાત દેખાડી દીધી હતી. એમનું બાળપણનું નામ મણિકર્ણિકા હતું. ઝાંસીના ગણેશ મંદિરમાં રાજા ગંગાધર રાવ સાથે એમના લગ્ન થયા હતા. અને લગ્ન કર્યા પછી એમનું નામ મણિકર્ણિકાથી બદલીને લક્ષ્મીબાઈ રાખવામાં આવ્યું હતું, અને તે ઝાંસીની રાણી બની હતી.

ભારતમાં એક કિલ્લો છે જેને આ રાણીના નામથી ઓળખવામાં આવે છે. વર્ષ 1613 માં ઓરછાના રાજા વીર સિંહ દ્વારા બનાવવામાં આવેલા, આ કિલ્લાને અંદાજે 400 વર્ષ થઈ ગયા છે. ઘણા મરાઠા શાસકોએ ઝાંસી પર શાસન કર્યુ, પણ આ કિલ્લાને રાણીના નામથી જ ઓળખવામાં આવે છે.

મિત્રો રાણી લક્ષ્મીબાઈની વીરતાની વાર્તા આ કિલ્લાએ આજે પણ સાચવીને રાખી છે. એ સમયની વાત છે જયારે અંગ્રેજો દ્વારા એમને ઘેરી લેવામાં આવ્યા હતા. અને પોતાને ઘેરાયેલી જોઈને રાણી લક્ષ્મીબાઈએ પોતાના દત્તક પુત્ર દામોદર રાવને પીઠ પર બાંધી, પોતાના અઢી હજારની કિંમતના ઘોડા પર બેસી આ કિલ્લાની 100 ફૂટ ઊંચી દીવાલ પરથી કૂદકો માર્યો હતો.

જાણકારી માટે જણાવી દઈએ કે રાણી લક્ષ્મીબાઈના જીવનમાં ઝાંસીના જુના બજરિયા પાસે આવેલા ગણેશ મંદિર સૌથી વધારે મહત્વનું સ્થાન હતું. 15 વર્ષની ઉંમરમાં (જાણકારો અનુસાર રાણી લક્ષ્મીબાઈનો જન્મ 1827 માં થયો હતો) મણિકર્ણિકાના લગ્ન આ જ મંદિરમાં રાજા ગંગાધર રાવ સાથે થયા હતા. અને લગ્ન પછી આજ મંદિરમાં એમનું નામ મણિકર્ણિકાથી લક્ષ્મીબાઈ પડયું હતું.

જયારે રાજા ગંગાધર રાવનું નિધન થયું હતું ત્યારે રાણી લક્ષ્મીબાઈ દુઃખમાં સરી પડયા હતા. ગંગાધર રાવનું ક્રિયાકર્મ જ્યાં કરવામાં આવ્યું હતું, એ લક્ષ્મીતાલના (એક તળાવ) કિનારે રાણીએ રાજાની યાદમાં એમની સમાધિ બનાવી હતી. ઝાંસીની રાણીએ પોતાના જીવનકાળમાં ફક્ત આ એક જ નિર્માણ કરાવ્યું હતું. અને એને ગંગાધર રાવની છતરી(સમાધિના સ્થાન પરનો મંડપ) ના નામથી ઓળખવામાં આવે છે. એવું કહેવામાં આવે છે કે રાણી લક્ષ્મીબાઈ મહાલક્ષ્મી મંદિરમાં પૂજા કરવા માટે આવતી હતી, ત્યારે આ તળાવ પાસેથી થઈને પસાર થતી હતી.

આ જગ્યા પર ઝાંસીનો મોટો પાણીનો સ્ત્રોત છે. રાજા ગંગાધર રાવના નિધન પછી એમનો અંતિમ સંસ્કાર અહીં જ કરવામાં આવ્યો હતો. અને ત્યારે એમને શ્રદ્ધાંજલિ આપવા માટે લોકોની ભીડ જામી ગઈ હતી. જો કે આજે આ તળાવની હાલત ખરાબ થઈ ગઈ છે. પણ એને ફરી સજાવવા માટે સતત પ્રયત્ન કરવામાં આવી રહ્યા છે.

જો તમે ઝાંસીનો ઈતિહાસ ન જાણતા હોવ તો જણાવી દઈએ કે, ઝાંસી 1857 ના સંગ્રામનું એક મુખ્ય કેન્દ્ર બની ગયું હતું. એ સમયે અહી હિંસા ભડકી હતી. રાણી લક્ષ્મીબાઈએ ઝાંસીની સુરક્ષાને વધારવાનું શરુ કરી દીધું, અને એક સ્વયંસેવક સેનાની રચના કરી.

એમના દ્વારા બનાવેલી આ સેનામાં મહિલાઓને પણ શામેલ કરવામાં આવી હતી, અને એમને યુદ્ધની તાલીમ આપવામાં આવી હતી. સામાન્ય નાગરિકોએ પણ આ સંગ્રામમાં મદદ કરી હતી. ઝલકારીબાઈ જે લક્ષ્મીબાઈ જેવી જ દેખાતી હતી એને સેનામાં મુખ્ય સ્થાન આપવામાં આવ્યું હતું.

વર્ષ 1857 ના સપ્ટેમ્બર તથા ઓક્ટોબર મહિનામાં પડોશી રાજ્ય ઓરછા તથા દતિયાના રાજાઓએ ઝાંસી પર આક્રમણ કરી દીધું. રાણીએ સફળતા પૂર્વક એમને નિષ્ફળ કરી દીધા. 1858 માં જાન્યુઆરી મહિનામાં બ્રિટિશ સેનાએ ઝાંસી તરફ વધવાનું શરુ કરી દીધું, અને માર્ચ મહિનામાં શહેરને ઘેરી લીધું. બે અઠવાડિયાની લડાઈ પછી બ્રિટિશ સેનાએ શહેર પર કબ્જો કરી લીધો.

પણ રાણી લક્ષ્મીબાઈ દામોદર રાવ સાથે અંગ્રેજોથી બચીને ભાગી જવામાં સફળ રહ્યા. રાણી લક્ષ્મીબાઈ ઝાંસીથી ભાગીને કાલપી પહોંચ્યા અને ત્યાં તેઓ તાત્યા ટોપેને મળ્યા. પછી તાત્યા ટોપે અને રાણીની સંયુક્ત સેનાએ ગ્વાલિયરના વિદ્રોહી સૈનીકોની મદદથી ગ્વાલિયરના એક કિલ્લા પર કબ્જો કરી લીધો.

18 જૂન 1858 ના રોજ ગ્વાલિયર પાસે કોટાની સરાય(ધર્મશાળા) માં બ્રિટિશ સેના સાથે લડતા-લડતા રાણી લક્ષ્મીબાઈએ વીરગતિ પ્રાપ્ત કરી. યુદ્ધના રિપોર્ટમાં બ્રિટિશ જનરલ હ્યુરોઝએ ટિપ્પણી કરી કે રાણી લક્ષ્મીબાઈ પોતાની સુંદરતા, ચાલાકી અને દૃઢતા માટે ઉલ્લેખનીય હતી, અને વિદ્રોહી નેતાઓમાં સૌથી વધારે ખતરનાક પણ હતી.