રાજસ્થાનની પ્રખ્યાત બાટીને સેકવાની આ અદભુત રીત છે ખુબ સરળ, જાણો દાળ બાટીની રેસિપી.

0
7769

નમસ્કાર મિત્રો, તમારા બધાનું અમારા લેખમાં સ્વાગત છે. આજે અમે તમારા માટે રાજસ્થાની પ્રખ્યાત દાળ બાટીની રેસિપી લઈને આવ્યા છીએ. દાળ બાટી ખાવામાં ઘણી ટેસ્ટી લાગે છે. તો આવો તમને જણાવી દઈએ કે કેવી રીતે રાજસ્થાની પ્રખ્યાત દાળ બાટી તમે તમારા ઘરમાં જ બનાવી શકો છો.

બાટી બનાવવા માટે જરૂરી સામગ્રી :

ઘઉંનો લોટ – ૨ વાટકી

અજમો – ૧ નાની ચમચી

હળદર – ૧ નાની ચમચી

મકાઈનો લોટ -૧ વાટકી

ઘી – ૧.૫ મોટી ચમચી

મીઠું સ્વાદ અનુસાર

બાટી બનાવની રીત :

બાટી બનાવવા માટે સૌથી પહેલા એક વાસણમાં ઘઉંનો લોટ અને મકાઈનો લોટ લેવાનો છે. તમે ઈચ્છો તો ફક્ત ઘઉંના લોટથી પણ બાટી બનાવી શકો છો. પછી એમાં અજમો એડ કરવાનો છે. પણ એને ઉમેરતા પહેલા હાથથી થોડું ક્રશ કરી દેવાનું છે. (તમને અજમો પસંદ ન હોય તો એના વગર પણ બનાવી શકો છો.) ત્યારબાદ તેમાં હળદર અને ઘી ઉમેરી દેવાના છે. ઘીની જગ્યા પર તમે તેલનો પણ ઉપયોગ કરી શકો છો, પણ ઘી થી આનો ટેસ્ટ ખુબ સારો રહે છે. અને જો ઘરમાં બનાવેલ ઘી હોય તો આનો ટેસ્ટ બે ગણો થઈ જાય છે. પછી સ્વાદ અનુસાર મીઠું એડ કરી દેવાનું છે.

ત્યારબાદ હાથ વડે બધી વસ્તુને સારી રીતે મિક્ષ કરવાની છે. આને મિક્ષ કરવા માટે તમે બંને હાથનો પણ ઉપયોગ કરી શકો છો. બધું સારી રીતે મિક્ષ થઈ ગયા પછી તેમાં પાણી એડ કરીને કઠણ લોટ બાંધવાનો છે. ધ્યાન રહે કે આમાં થોડું થોડું પાણી એડ કરવાનું છે. જો વધારે પાણી એડ કરશો તો તે પાતળું થઈ જશે. (જો તમે ઘઉંના લોટથી બનાવવા માંગો છો તો તેમાં થોડો રવો કે સુજી મિક્ષ કરો અને બાકીની પ્રક્રિયા ઉપરની જેમ કરવાની છે).

ત્યારબાદ તેને મસળી મસળીને કઠણ બનાવીને તેમાંથી ગોળ બાટી બનાવી લો. બાટીની સાઈઝ તમારા અનુસાર રાખવાની છે, પણ વધારે મોટી બનાવવાની નથી.

બાટી શેકવા માટે એપ્પમ કરીને એક તવો આવે છે, જેમાં નાના નાના વાટકીના આકારના ખાના હોય છે, તે લઈને એમાં થોડું તેલ લગાડીને ગ્રીસ કરી લેવાનું છે. ત્યારબાદ તેમાં એક એક કરીને બાટી મૂકી દેવાની છે. પછી તેને ગેસ પર મુકી દો. અને જયારે વાસણ ગરમ થાય ત્યાર સુધી ગેસ ફૂલ રાખવાનો છે. અને વાસણ ગરમ થઈ જાય એટલે ગેસને ધીમો કરી દેવાનો છે. અને બાટી ઉપર થોડું તેલથી કે ઘી થી ગ્રીસ કરી દેવાં દેવાનું છે, જેથી એને ઉપર પ્લેટ મુકો તો એ ચોંટે નહિ.

બાટી 6-7 મિનિટ સેકાઈ ગયા પછી તેને પલટાવી દો. બાટી જેટલી સારી શેકાય તેટલી સારી હોય છે. જો તમારી પાસે આ તવો ન હોય તો તમે છાણા લઈને તેને લાલ થાય ત્યાં સુધી સળગાવવા અને તેમાં આ બાટી નાખી દેવાની છે, અને વચ્ચે વચ્ચે ચેક કરતા રહેવાનું છે, જેથી આ બળે નહિ. જેમ આપણે પહેલા બટાકા શેકતા હતા તેમ. હવે બાટી સારી રીતે સેકાઈ ગયા પછી તેને થોડી દબાવીને ઘીમાં બોળી દો જેથી ઘી અંદર સુધી જાય. જો તમને વધારે ઘી પસંદ નથી તો તમે બાટીને ઘી માં બોળયા વગર ખાઈ શકો છો. હવે તમારી બાટી તૈયાર છે.

દાળ બનાવવા માટે જરૂરી સામગ્રી અને બનાવની રીત :

જરૂરી સામગ્રી :

કાચી દાણ : ૧૦૦ ગ્રામ  (૨૫ ગ્રામ મગની, ૨૫ ગ્રામ મૈસુરની અને 50 ગ્રામ તુવેરની)

તેલ – ૧.૫ ચમચી (મોટી)

હિંગ – ૨ ચપટી (પિન્ચ)

દાણા પાઉડર – ૧ ચમચી

હળદર – ૧ ચમચી

લાલ મરચું પાઉડર સ્વાદ અનુસાર

મીઠું સ્વાદ અનુસાર

થોડું જીરું

થોડો કઢી લીમડો

લીલા મરચા (ઝીણા કાપેલા) – ૨ નંગ

આખા લાલ મરચા – ૨  નંગ

બારીક કાપેલી ડુંગરી – ૧ નંગ

ટામેટા – ૨ નંગ

૧૦ થી ૨૦ લસણની બનાવેલી પેસ્ટ

દાળ બનાવવાની રીત :

દાળ બનાવવા માટે સૌથી પહેલા તો એક વાસણમાં ઉપર જણાવેલી બધી દાળ લઈ લેવાની છે, અને તેને સારી રીતે મિક્ષ કરી દેવાની છે. તમારે એને 2 થી 3 વાર પાણીથી સારી રીતે ધોઈ લેવાની છે. હવે કુકર લઈને એમાં 2 ગ્લાસ પાણી નાખવાનું છે, અને દાળ નાખવાની છે. હવે તેમાં હળદર, મીઠું ઉમેરીને કૂકરને બંધ કરી દેવાનું છે. પછી ગે પર મુકી એને બફ્વાની છે. એના માટે કૂકરની 5 સીટી પડવા દો.

એ બફાય ત્યાં સુધીમાં એક કઢાઈ લઈને તેમાં તેલ ઉમેરો. અને તેલ ગરમ થઈ ગયા બાદ તેમાં જીરું અને હિંગ નાખી એને તૈયાર કરો. જીરું હલકું લાલ થવા સુધી એને હલાવવાનું છે. ત્યારબાદ આમાં ડુંગળી, લાલ મરચા, લીલા મરચા કાપેલા, અને કઢી લીમડો ઉમેરો અને બધાને સારી રીતે હલાવો. હવે તેમાં લસણની પેસ્ટ એડ કરી દો. હવે તેને હલાવી દો અને આને થોડીવાર સેકો.

ત્યારબાદ એમાં હળદર, ઘાણા પાઉડર, લાલ મરચાનો પાઉડર, ટામેટા અને મીઠું એડ કરવાનું છે. હવે તેને સારી રીતે મિક્ષ કરી દેવાનું છે. મસાલા સારી રીતે મિક્ષ થઈ ગયા પછી 2 મોટી ચમચી પાણી એડ કરવાનું છે. હવે આની ઉપર ઢાંકણ ઢાંકીને 3 થી 4 મિનિટ એને પાકવા દો.

હવે કૂકરમાં દાળ બાફવા મુકેલી છે એ લઈ લેવાની છે. કૂકરની દાળ છે તેને સારી રીતે હલાવીને મિક્ષ કરી દેવાની છે, પછી એ દાળને કઢાઈમાં એડ કરી દેવાની છે. જો દાળ વધારે ઘટ્ટ લાગે તો તેમાં થોડું પાણી એડ કરી દેવાનું છે. પાણી એડ કર્યા પછી તેને સારી રીતે મિક્ષ કરી દેવાનું છે. અને આની ઉપર ઢાંકણ ઢાંકી દેવાનું છે, ઢાંકણ પૂરું ઢાંકવાનું નથી થોડું ખુલ્લું રાખવાનું છે. જયારે આ ઉકળી જાય ત્યારે તેને સારી રીતે હલાવી દો, અને ગેસ બંધ કરી દો. હવે દાળમાં એક વાર મીઠું ચેક કરી લેવાનું છે, જો ઓછું લાગે તો એડ કરી શકો છો. હવે આમાં વઘાર કરવાનો છે.

હવે એમાં વઘાર કરવા માટે વઘારના વાસણમાં 2 નાની ચમચી ઘી લઈ લેવાનું છે. ઘીની માત્રા તમે તમારા અનુસાર ઓછી કે વધારે લઈ શકો છો. ઘી ગરમ થઈ ગયા પછી જીરું એડ કરવાનું છે. જીરું થોડું સેકાઈ ગયા પછી ગેસ બંધ કરીને પ્રમાણ અનુસાર રાઈ એડ કરવાની છે. અને તેને દાળમાં વઘાર કરી દેવાનો છો. લો તૈયાર થઈ ગઈ આપણી દાળ અને બાટી.