હોળી ની આ પ્રથાઓ વિશે કોઈ ગુજરાતીઓ નઇ જાણતા હોય જાણો રામભાઈ આહીર ના આ આર્ટિકલ દ્વારા

0
2194

નમસ્કાર મિત્રો, આજે અમે હોળી વિષે થોડી માહિતી લઈને આવ્યા છીએ. આ લેખમાં તમને ગામડામાં છાણા ચોરવાની અનોખી પ્રથા વિષે જાણવા મળશે. તો આવો જાણીએ રામભાઈ આહીર શું કહે છે એના વિષે.

મિત્રો, હું જો ન ભુલતો હોવ તો અમારા સૌંરાષ્ટ્રના ગામડાઓમાં આજે પણ છાણા ચોરવાની પ્રથા શરૂ જ છે. આજે પણ ગામડાઓમાં રાતના અંધારામાં ખાટલામાં પડીયા પડીયા કાન માંડો, તો ગેરીયા (ઘેરૈંયા) ના ઉધાડા પગની ધબડાટીના છાના છાના શબ્દો અંધારા વિંધીને કાને આવી ચડે ખરા.

અને હા એક વાત કરી દઉ કે ગેરૈયા પાછા નિતી નિયમોથી નિતરતા હો, અનિતીથી ઉતરતા નહી. હા, ભગવાન કૃષ્ણની ટોળકી જયારે ગોકુળમાં મહી માખણ ચોરવા નિકળતી, ત્યારે મનમાં એક મંત્ર ગણગણતી કે ”કફલ્મ….કફલ્મ….કફલ્મ’ ‘આવો જ મંત્ર છાણા ચોરતા ગેરૈયાઓ ય ગણગણે કે….

“ઘરેથી નિક્ળીયા અમે ઘેરૈયા થઇ. લાખોના ઢગલાને અડવાનુ નય. ને મોઢવુ મળી જાય તો પછી મુકવાનુ નય.” અહીં હું અમારા ગામડાની વાત કરૂ છું. તમારી બાજુના ગામડામાં કાય આવુ નહી બનતુ હોય. અમારા ગામડામાં વર્ષોથી છાણા ચોરવાની પરંપરા ચાલી આવે છે. અને હજુ પણ (હુતાસણી) હોળી આડા થોડાક દિવસ રહેને ઘરે ઘરેથી નાના ભુલકાઓ ઘેરૈયાનો સ્વાંગ પહેરીને છાણા ચોરવા નીકળી પડે.

આખી રાત ગામમાં અંધારામાં ફાફા મારીને છાણા ભેગા કરે છે, અને હોળી ટિંબે પહોચાડે છે. એમ તો એમણે દિવસે જ નજરમાં લઇ લિધેલુ હોય છે કે, કોનુ મોઢવુ કયા છે? અને આજ રાતે ક્યાં ક્યાં ખાબકવાનુ છે. મને તો ક્યાંથી ખબર હોય, પણ આતો હું નાનો હતો ત્યારે જાતો એટલે ખબર કે દિવસે પ્લાન ધડેલો જ હોય. મને ખાસ ખબર છે કે, એકવાર એવુ બન્યુ કે અમારા માસ્તર સાહેબને કોઇએ ફરીયાદ કરેલી, કે તમારા નિશાળીયા છાણા ચોરવા જાય છે.

પણ સાહેબને ખબર કેમ પડે કે, આટલા બધા નિશાળીયા માંથી છાણા ચોરવા જાય કોણ? બીજા દિવસે અમે તો સવારે ભણવા પહોંચી ગયા. પ્રાથના પુરી થઇ અને થોડીક જ વારે અમારા સાહેબ બોલ્યા કે, બોલો આમાંથી છાણા ચોરવા કોણ કોણ જાય છે? અમે તો નીચુ જોઇને બેસી રહયા. અમે થોડા કાંઈ કહી દઇએ કે અમે ગયા હતા.

પણ જેણે અમારી ટુકડીમાં ભાગ નો’તો લીધો, એમણે અમને પકડાવી દીધા હતા. જો કે એ છોકરાઓએ તો ભાગ લેવો જ હતો, પણ તોફાની હોય અને કારણ વિના બોલ બોલ કરતા હોય, એવા તોફાની છોકરાવોને અમે પકડાઇ ન જઇએ એટલા માટે અમારી ટુકડી માંથી બરતરફ કરેલા.

અને એ છોકરાઓએ જ અમારી ઉપર દાઝ રાખીને, તકનો લાભ લઇને અમને પકડાવી દિધા. અને સાહેબને કહી દિધુ કે અમને ખબર હતી કે, એ બધા છાણા ચોરવા જવાના છે, અને અમને હારે લઇ જવાની ઘણી બધી મહેનત પણ કરેલી. પણ અમે તમારી બિકના લીધે ગયા નહી. નહીતર અમનેય પગમાં ખજવાળ તો આવતી જ હતી.

અમારા ગામના મોટા મોટાઓએ અમારા સાહેબને ફરીયાદ કરેલી, પણ અમને માર ખવડાવવાના હેતુથી નહી પણ અમારી સુરક્ષા માટે. કારણ કે છાણાનું મોઢવુ એટલે ઝેરી જીવજંતુનું ઘર ગણાય, છાણાનું મોઢવુ એટલે નાગનું ઘર. ઉનાળાની ઋતુમાં છાણા માથી ઠંડી ઠંડી હવા મળી રહે એટલે એરૂને પડકાં મોઢવામાં રહેવાનું સૌથી વધારે પસંદ કરે. ગામડામાં બેનું ને બાયુ દિવસ આથમ્યા પહેલા મોઢવા માંથી જેટલી જરૂર હોય, એટલા છાણા દાતરડાના સહારે લઇ લેય.

તો આ મોઢવામાં રાતના અંધારામાં છોકરાવો વગર અજવાળે ને વિના દાતરડે હાથ ભરાવે, ને કોઇને જીવજત કરડે તો મુશ્કેલીમાં મુકાઇ જવાના ડરથી મોટાઓએ સાહેબને ફરીયાદ કરેલી. નહીતર છાણા ચોરવાની જે પરંપરા વડીલોએ શરૂ કરેલી એ પરંપરા અમે જાળવી રાખતા હતા. એનો આનંદ તો એ લોકોના મનમાં હિલોળા લઇ રહ્યો હતો, પણ સાથો સાથ કોઇ અઘટીત ઘટના ન ઘટે એવા ડરના હિસાબે સાહેબને ફરીયાદ કરેલી, ને અમે પકડાઇ ગયેલા.

સાહેબે અમને સાત આઠ છોકરાઓને ભાગે ભળતો પજરીપાક સખાડ્યો, પછી પુઠા લાવ્યા અને એના પર મોટા અક્ષરે લખ્યુ કે હું છાણાનો ચોર છું. પછી અમને કહ્યુ કે આ પુઠા તમારા વાહા(પીઠ)પર બાંધીને આખા ગામમાં ફેરવવાના છે. અમે તો એવા મુજાણા કે ભારે કરી. આવુ થાશે તો તો ઘરે બધાને ખબર પડી જશે. તો વળી પાછો મેથીપાક મળશે.

પણ પછી સાહેબે એ પ્રોગ્રામ કોઇ કારણોસર બંધ રાખ્યો. અમે તો લાખોની લુટ કરી હોય ને નિર્દોશ સુટકારો થયો હોય એટલો આનંદ થયેલો. અને સાહેબે અમને ઉદાહરણ આપી આપીને સમજાવ્યા કે, રાતે અંધારામાં મોઢવામાં હાથ ભરાવાથી શું શું થાય? ને વધુમાં કહ્યુ કે, હવે પછી જો છાણા ચોરવા જશો તો માફ નહી કરૂ. પણ અમે જેવા નિશાળેથી સુટા થયા કે ગણગણવાનું શરૂ કરી દિધુ “ઘરેથી નિક્ળયા અમે ઘેરૈયા થઇ. લાખોના ઢગલાને અડવાનુ નય. અને મોઢવુ મળે તો પછી મુકવાનુ નય.”

હવે વાત કરૂ એ પરંપરાની. આપ જો ગામડામાં રહતા હશો તો આપ જાણતા જ હશો કે ગામડા ગામની ઉતાસણી અલગ પ્રકારની હોય છે. ગામડામાં છાણાથી જ ઉતાસણી(હોળી) ખડકવામા આવે છે. જે ચોરી ચોરીને જ ભેળા કરવામા આવે છે. લગભગ ઉતાસણી આડા પંદર કે વિસ દિવસ હોય છે, ત્યારથી જ ઘેરૈંયા તૈયાર થઇ જતા હોય છે.

વાળુ પાણી કરીને ઘેરૈયાના મોવડી બે પાંચ છોકરાઓ પ્રથમ તો હોળી ટીંબે (હોળી માટે નક્કી કરેલા ટીંબાને હોળી ટીંબો કહેવામા આવે છે) જઇને મોઢા મા સામે એવડી એવડી…જોર જોરથી બોલીને ઘેરૈંયાને જાણ કરવા ખાતર, જોર જોરથી જેમ ફાવે તેમ બોલીને ગામના ગેરૈયાને જાણ કરે છે કે, અમે હોળી ટીંબે પહોચી ગયા છીયે.

જોકે આજે તો બાળકો પણ સમજણા થઇ ગયા છે, એટલે હવે હોળીકા દેવીની કે બિજા દેવી દેવતાની જય બોલીને છાણા ચોરવાના શ્રી ગણેશ કરે છે. પણ હું જે વાત લખી રહ્યો છું, તે 1980 થી 1985 ની આસપાસની વાત કરૂ છું. આજે તો બાળકો માય સમજણની સરવાણી ફુટી છે, એટલે મર્યાદામાં રહીને કામ કરી કહ્યા છે અને પરંપરાને જાળવી રહ્યા છે.

અને કુદરત પણ ભોળુડા બાળકોનું કાળી અંધારે જીવજતનુ એવુ ધ્યાન રાખી રહ્યો છે કે, હજારો વરસથી કાળી રાતે મોઢોવામાં હાથ નાખતા બાળકોને કયારેય ઉનીઆંછ આવવા દિધી નથી, અને આવતા સમયમાં પણ આવી ને આવી કૃપા વરસાવતો રહે એવી પ્રાથના કરીયે.

અને હા, અમારા ગામડાના ગેરૈંયાના નિયમોની વાત કરૂ તો જયારે છાણા ચોરવા જાય, અને જે છોકરો ટોળકીમાં હોય એનુ જ મોઢવુ તોડવાનો વારો આવે, તો એનુ મોઢવુ તોડવામાં એ છોકરાએ પણ મદદ કરવી જ પડે. પોતાના મોઢવાને લેવાની ના તો ન જ પાડી શકાય. મને એક પ્રસંગ યાદ આવે છે કે, 1981 ની આજુ બાજુમાં આમારા ગામની બાજુમાં ડેમ બાંધવામાં આવ્યો ને અમારૂ ગામ ડુબમાં જતુ હતુ. એટલે ગામને બિજી જગ્યાએ ફેરવવામાં આવ્યુ.

એ વખતે સરકારની સહાયથી મકાનો બાંધવામા આવ્યા, ત્યારે અમારા જુના ઘરના બારસાખ અને બારણા નવા ઘરના ફળીયાના એકકોરના ખુણામાં પડેલા હતા, અને ગેરૈંયાની કરડી નજર દિવસે એની પર પડી ગયેલી. પણ અમને વાત ન કરેલી કે આજ તમારા બારણાને બારસાખ ઉપાડવાની છે. હવે અમે તો રોજના નિયમ પ્રમાણે વાળુપાણી કરીને બધા ભેળા થયા, ને ગામમાં છાણા ચોરતા ચોરતા અમારા ઘરનો જ વારો આવ્યો, અને નિર્ણય લેવાયો કે બારણા ઉપાડી લેવાના.

તમે કદાચ નહી માનો, પણ અમારા બારણા લેવડાવવા ગેરૈંયાને અમે પણ મદદ કરેલી. પણ જેવા બારણા ખકડ્યાને ઘરના અમારી પાછળ દોડાયા, ને અમે બારણા મુકીને ભાગી ગયેલા. મને એવુ સમરણ છે કે, મારા બાપુ ગેરૈંયાની પાછળ દોડીયા એ સમયે અંધારાનો લાભ લઇને, આટી મારીને અમે ઘરે કોઈની ખબર વિનાના ખાટલે છાનામાના સુઇ ગયેલા. આજે એ પ્રસંગ યાદ આવે ત્યારે વિચાર આવે છે કે બાળપણ કેવુ ભોળપણ ભરેલુ હતુ. આજે તો હોશીયારીને ચતુરાયની વચ્ચે બિચારૂ કયાય કચરાયને ખતમ થઇ ગયુ.

હવે હું જે વાત લખવા જઇ રહ્યો છું તે બહુ મહત્વની છે. કારણ કે ગેરૈયા જે છાણા ચોરતી વખતે કદાચ કોઇ જાગી જાય ને જે મોઢવુ તોડવાનુ હોય તે ન તોડી શકાય, તો’તો એ ગેરૈંયા ન કહેવાય. એટલા માટે એ લોકોએ બધી તૈયારી કરી રાખેલી જ હોય. એમા એવી તૈયારી કરેલી હોય કે, ધારી લ્યો કે દસ પંદર છોકરાઓની ટોળી હોય, તો એમા બે અલગ અલગ ટુકડી બનાવવામાં આવેલી હોય.

એક ૨-૩ જણની ટુકડી અને બિજી મોટી ટુકડી હોય. બરાબર જે જગ્યાએ મોઢવુ હોય ત્યા બંને બાજુથી જવાનુ અને કોઇ જાગી જાય તો જે નાની ટુકડીને કિકિયારા કરતુ ભાગવા મંડવાનુ, અને મોટી ટુકડીને મોઢવાની આજુ બાજુ સંતાઇ જવાનુ.

એટલે ઘરધણી કિકિયારા કરતા છોકરાઓની ટુકડીની વાહે દોડે, એટલે મોટી ટુકડી જે સંતાઇને ઉભી હોય તે તકનો લાભ લઇને છાણાની ફાટુ ભરી ભરીને ભાગી જાય. પેલો નાની ટુકડીની વાહે ગયેલો ઘરધણી પાછો આવે ત્યા આખુ મોઢવુ પોપડા સહિત ગાયબ થઇ ગયુ હોય.

અને એ જમાનામાં અમારા ગામમાં લાઇટ હતી નહી. એટલે ચાર્જીંગ બેટરીનો સવાલ જ નથી આવતો. એના કારણે એ જમાનામાં ચોરી કરનારને અંધારૂ બહુ જ ઉપયોગી થતુ. અને બિજી વાત કરી દઉ કે, જેવી રીતે ગેરૈંયા નિયમ પાળતા કે ”લાખોના ઢગલાને અડવાનુ નય ને મોઢવુ મળે તો પછી મુકવાનુ નય.” આવા જ નિયમ પાછા ગામ લોકોય પાળતા.

કદાચ ઘરધણી ગેરૈંયાને છાણા લેતા જોઇ જાય ને પાછળ પડે, અને ઘેરૈયા મોઢવા માંથી છાણા લઇને ભાગે ત્યારે ઘરધણીને આંબી જવાની બિકે છાણા કોઇ વાર મુકીને ભાગીય જવુ પડે. પણ મોઢવામાં છાણા લેવાય ગયા પછી તેઓ ભલે મુકીને ભાગી જાય, પણ એ છાણા કોઇથી પાછા લેવાય તો નહી જ. કેમ કે ગેરૈયાનો હાથ અડી જાય એટલે એ છાણામાં હોળીની ઝાળ ભળી ગઇ ગણાય. એટલે ઝાળ ઘેર ન લઇ જવાય, આમ વિચારીને એ છાણાને કોઇ અડે જ નહી. અને એ છાણાંને દિવસે છોકરાઓ હોળી ટીંબે પહોચાડ્યો પાર કરે.

હવે વાત કરુ ઉતાસણી (હોળી) ખડકવાની. તો ઉતાસણી ખડકવાના પણ અમુક લોકો કારીગર હોય છે. ઉતાસણીના દિવસે દિ’આથમ્યે ગામ માંથી કુંભાર એક પ્રકારનું માટલુ લઇને આવે છે. એમાં મગ અને ઘઉં નાખીને એને પાણીથી ભરીને, વચ્ચો વચ્ચ ગોઠવીને, ફરતા છાણા ગોળ ગોળ ગોઠવી દેય. ત્યાર પછી અંધારૂ થવા દઇને હોળી પ્રગટાવવામાં આવે. ગામ માંથી ઢોલને શરણાઇ વાળા આવે. ભાઇઓ અને બહેનો સૌં ઉતાસણીના દર્શન કરવા અને વધાવવા આવે.

અને ગામડામાં એક એવી પ્રથા છે કે જેના ઘરે પહેલા દિકરાનો જન્મ થયો હોય એની વાડં કરવામાં આવે છે. વાડં એક પ્રસંગ છે. વાડં એટલે એ છોકરાને તેડીને બહેન દિકરીયુને બાઇયુ વાડનું સરસ મજાનુ ગીત ગાય છે. એના શબ્દ કઇક આવા છે ”હાથમાં શ્રીફળ વિરાની ડોકમાં ફુલ માળા…” આવુ સરસ મજાનું ગીત ગાતી ગાતી જેટલા ઘરમાં પહેલા છોકરાઓ જનમ્યા હોય, તે ને ગામ માંથી હોળીકા દેવીના દર્શન કરાવવા લાવે છે. અને ત્યાં લાવ્યા પછી બે યુવાનો તૈયાર થાય.

એમાંથી એક યુવાન એ છોકરાને તેડીને ફરતુ જાડો ધાબળો ઓઢી લેય. કારણ કે બાળકને હોળીનો તાં’ ન લાગે, અને એક બિજો યુવાન હોય તે એક પાણીના લોટા ઉપર શ્રી ફળ લઇને હોળી ફરતી પાણીની ધારવાડી આપે. અને પાળ પેલો બાળક વાળો યુવાન હોળીની ફરતો સાત આંટા ફરે.

પછી શ્રીફળ હોમવામાં આવે છે. અને હવે તો નવા નવા લગ્ન થયા હોય એ યુવાનોય શ્રીફળ હોમવા આવે છે. પણ એ જમાનામાં એ પ્રથા ન હતી. અને ગામના લોકો ખજુર, ધાણી, ડાળીયાથી ઉતાસળી વધાવે અને ઢોલ શરણાય વાળાને પણ બધા ખજુર, ધાણી અને ડાળીયાનું દાન કરે.

અરે ભાઇ ઇ જમાનામાં ઢોલ શરણાય વાળાને ખજુર, ડાળીયાની ફાટું બંધાતી અને એના છોકરાઓ હોશે હોશે ખાતા અને આશીર્વાદ આપતા. બધા શ્રીફળ હોમાય ગયા પછી હોળી માંથી શ્રીફળ કાઢવાની હોડ મંડાય. એના હારું કોઇ ભાલા લઇને આવતા, કોઈ તલવારું લઇને આવતા. અને ભાલાને તલવારૂની અણીયે શ્રીફળ કાઢતા.

જોકે આજે તો શાન્તીથી ઉતાસણી ઉજવાય છે. પણ પેલા શ્રીફળ કાઢવાની હોડમાં કોઇ વાર ધિંગાણા પણ થતા, અને એ મોટી ઉંમરના લોકો જાણતા જ હશે. જોકે આજે તો સમયની સાથે સાથે સમજણ પણ આવી છે. આજે આવુ નથી બનતુ, નહીતર સમજુ માણસ ઉતાસણીયે જતા નહી.

ત્યારબાદ શ્રીફળ વધેરી સૌને શેષ આપવામાં આવે અને પેલુ માટલું કાઢીને એમાંથી સૌને પ્રસાદી આપે, અને એ પ્રસાદી પરથી વરસ કેવુ થશે એ નક્કી થતુ. અને અંતે ગામ માંથી આવેલા લોકો દ્વારા સળગતી ઉતાસણીના તિખારા પર હાલવાની હોડ મંડાય. સૌ કોઇ એના ઉપર પગ દઇ દઇને આ બાજુથી પેલી બાજુ જતા હોય છે. પણ પગમાં ફલ્લા પડે નહી. હા, ઉલટાની પગના તળીયે કપાસી હોય તો સારી થઇ જાય એવુ માનવામા આવે.

અને અંતમાં ગામ માંથી આવેલા દુહા છંદના શોખીનો સામ સામા લાકડીયુના ટેકા દઇ દઇને દુહા છંદ લલકારે. અને એ સાભળવા માટે ગામ આખું હલકતુ. જે ગાવા હોય તે વારા ફરતા ગાઇને સાંભળનાર સાંભળે. એ કાર્યક્રમ પુરો થયા પછી અંતે સેવાભાવી યુવાનો ગામ માંથી પાણી લાવીને હોળીને ઠારી નાખે. અને પછી અંતીમ તબ્બકો એટલે ગામની બાજુના ખેતરમાં કે ગામના પાદરના નેરા(નદી) ના વેકરામાં ભગડ (કબડી) ની રમત મંડાય. આખી રાત ભગડ રમે અને સવારમાં ધુડાળી તૈયાર જ હોય.

લેખક: રામભાઇ આહીર