વારંવાર સંભળાતો શબ્દ “ટ્રેકિંગ” એટલે શું? જાણો ટ્રેકિંગ વિશે વિગતવાર માઉન્ટેનર ધવલ પટેલ પાસે

0
1268

દિવસેને દિવસે આપણા ગુજરાતીઓમાં ફરવાનો ક્રેઝ વધતો જાય છે. ખાસ કરીને તહેવારોમાં લોકો કયાંક ને કયાંક ફરવા જવા લાગ્યા છે. આ ઉપરાંત કેટલાય લોકો ટ્રેકિંગ કરવા પણ જાય છે. વારંવાર કેટલાય લોકોને ટ્રેકિંગ શબ્દ સંભળાતો રહે છે. ઘણાખરા લોકો ટ્રેકિંગની એક અલગ દુનિયાથી માહિતગાર હોતા નથી. તો આજે આપણે ટ્રેકિંગ શું છે અને કયાં કરવામાં આવે છે તેની માહિતી મેળવીશું.

સૌપ્રથમ તો જાણીએ કે ટ્રેકિંગ એટલે શું?

ટ્રેકિંગએ અંગ્રેજી શબ્દ છે જેનો અર્થ થાય કોઈ એક સ્થળેથી બીજા સ્થળે ચાલતા જવું. ચાલવાનું નામ પડે તો કેટલાય લોકોના મોતિયા મરી જતા હોય છે. પણ ટ્રેકીંગની દુનિયા આખી અલગ જ હોય છે. કુદરતના ખોળે મનમોહક સુંદરતા નિહાળતા નિહાળતા ચાલતા જવું. સુંદર અને રળિયામણું દૃશ્ય જોવા માટે હંમેશા પરીશ્રમ કરવો જ પડે છે. ટ્રેકિંગ એક એવું ક્ષેત્ર છે કે જયાં તમે દુનિયાથી અલિપ્ત બનીને મોબાઈલ – ટીવી, ઈન્ટરનેટ – ઈલેકટ્રીસીટી વગર કુદરતના સૌંદર્યને માણવાનો અદભુત લહાવો મેળવી શકો છો. ગર્જતા વરસાદની ભીની ખુશ્બુનો અનેરો આનંદ ઉઠાવી શકો છો. મેઘધનુષ્યના સાતેય રંગો નિહાળી શકો છો. ઉગતા સૂર્યોદય સાથે જ પક્ષીઓનો કલરવ તમારા મનને મંત્રમુગ્ધ કરી આપે છે. ટૂંકમાં કહીએ તો ટ્રેકિંગ એટલે કુદરતની સમીપ જવાનું એક માધ્યમ.

ટ્રેકિંગ કયાં – કયાં કરી શકાય?

ઘણાય લોકો એવું વિચારતા હોય છે કે ટ્રેકિંગ એટલે પહાડો ચડવા અથવા જંગલોમાં જવું. હકીકતમાં ટ્રેકિંગ ફક્ત જંગલો કે પહાડો પુરતુંં મર્યાદિત નથી. આજે આપણે ઈન્ટરનેટના માધ્યમથી જોઈશું તો કેટલાય લોકો અવનવી જગ્યા અને ક્ષેત્રોમાં ટ્રેકિંગની જાહેરાતો કરતા હોય છે. ખાસ કરીને અત્યારે આપણે દરિયાકાંઠાનું ટ્રેકિંગ, રણમાં ટ્રેકિંગ, નદિના કિનારે ટ્રેકિંગ, નદિની અંદર ટ્રેકિંગ, જંગલમાં ટ્રેકિંગ, પહાડોમાં ટ્રેકિંગ, વગેરે જેવા ક્ષેત્રોમાં ટ્રેકિંગ સહેલાઈથી કરી શકીએ છીએ. તમામ પ્રકારના ટ્રેકિંગમાં ટેન્ટ નાખીને કેમ્પીંગ પણ કરી શકાય છે. ઉપરાંત અમુક ટ્રેકિંગ રુટ લાંબાં હોય તો કેમ્પીંગ સાથે રસોઈ બનાવવા માટે રસોઈઓ અને સામાન ઉંચકવા માટે પોર્ટરને પણ સાથે લેવા પડે છે.

1-2 દિવસીય ટ્રેકિંગ માટે વધારે સામાન કે રસોઈની વ્યવસ્થા કરવાની જરુરિયાત ઓછી રહે છે. કેમ કે તેમાં સાથે સૂકો નાસ્તો લઈ જઈ શકાય છે. અહીં એક વસ્તું ચોક્કસ યાદ રાખવી કે કોઈપણ જગ્યાએ ટ્રેકિંગમાં જતી વખતે આપણે કોઈ પણ જાતનો કચરો કે પ્લાસ્ટિક જ્યાં ત્યાં ફેંકીને પર્યાવરણને નુકસાન પહોંચાડવું જોઈએ નહિ. તો ચાલો દરેક ટ્રેકિંગનું ક્ષેત્ર થોડું વિસ્તૃત રીતે સમજીએ.

દરિયાકાંઠનું ટ્રેકિંગ :

દરિયાકાંઠનું ટ્રેકિંગ વરસાદનો સમય બાદ કરતા રાત્રે અને દિવસે એમ ગમે ત્યારે કરી શકાય છે. દરિયાકાંઠે કોઈ એક જગ્યાએથી બીજી જગ્યાએ 8-10 કિમીનું ટ્રેકિંગ લોકો ગુજરાતના કેટલાય દરિયાકાંઠે કરી રહયા છે. દરિયાકાંઠાનું ટ્રેકિંગ ગોઠવતી વખતે બે બાબતો ધ્યાનમાં રાખી શકાય છે. એક છે વરસાદી વાતાવરણ વખતે ટ્રેકિંગના કરવું અને બીજું ભરતી ઉતરવાની શરુઆત હોય ત્યારે ટ્રેકિંગ શરુ કરવું. ગુજરાતમાં ભાવનગરના દરિયાકાંઠે કેટલાક લોકો આ પ્રકારના આયોજન કરે છે.

આ ઉપરાંત જામનગર પાસે નરારા ખાતે દરિયાની અંદર 5-6 કીમી વિસ્તારમાં પાણી ઉતરી ગયા પછી એક ફુટ જેટલું પાણી ભરાય રહે છે. આ પાણીમાં ચાલતા ચાલતા દરિયાઈ જીવ સૃષ્ટી પણ જોવા મળે છે અને ટ્રેકિંગની મજા પણ માણી શકાય છે. દરિયાકાંઠનું ટ્રેકિંગ બે દિવસ – એક રાત્રિનું જ કરી શકાય છે. લાંબું ટ્રેકિંગ કંટાળાજનક નીવડે છે. આ પ્રકારના ટ્રેકિંગમાં યોગ્ય પરમિશન મેળવીને દરિયાકાંઠે ટેન્ટ નાખીને એક રાતનું કેમ્પિંગ પણ કરી શકાય છે.

રણમાં ટ્રેકીંગ :

રણમાં ટ્રેકીંગ કરવાનો ક્રેઝ પણ વર્તમાન સમયમાં ખૂબ જ પ્રસરી રહયો છે. ગુજરાતમાં રણમાં ટ્રેકિંગ અને કેમ્પીંગ માટે લગભગ નહિવત આયોજનો થાય છે. જો કે રાજસ્થાનના જેસલમેર ખાતે ટ્રેકીંગ, કેમ્પીંગ અને સાથોસાથ રણોત્સવની મજા લઈ શકાય એવું આયોજન થાય છે. આ ઉપરાંત કચ્છનું નાનું રણ ટ્રેકિંગ સાઈટ તરીકે સારી રીતે વિકસી શકે એમ છે, પણ અહીં લોકો ટ્રેકિંગ કરવા ઓછા અને પક્ષીઓની ફોટોગ્રાફી અને કેમ્પીંગ કરવા વધારે આવે છે. અહીં નોંધવું રહયું કે રણમાં ટ્રેકિંગ કરવા માટેનો શ્રેષ્ઠ સમયગાળો શિયાળાની ઋતું જ છે.

નદિ કિનારે અને નદિમાં ટ્રેકીંગ :

નદિ કિનારે અને નદિમાં ટ્રેકીંગ સાંભળવામાં સરખું લાગે પણ બંને તદન અલગ છે. આપણા દેશમાં કેટલીય મોટી નદિઓ અને નદિઓના કાંઠે અસંખ્ય તીર્થસ્થાનો આવેલા છે. આ નદિઓના કિનારા સરસ ટ્રેકિંગ સાઈટ તરીકે વિકસાવી શકાય છે. ગુજરાતમાં નર્મદા નદિનો કાંઠો ઉત્તમ ટ્રેકિંગ સ્પોટ છે. નદિના કાંઠે કયાંક ખડકો તો કયાંક કોતરો હોય છે અને કયાંક સમતળ જમીન હોય છે. એટલે ટ્રેકિંગ રુટમાં કેટલાય અલગ અલગ અનુભવ મેળવી શકાય છે.

બીજું ટ્રેકિંગ છે નદિની અંદર ટ્રેકિંગ. સાંભળવામાં થોડુંક અજીબ અને ડરામણું લાગે પણ છેલ્લા 1-2 વર્ષથી સાઉથના રાજયોમાં આ પ્રકારના ટ્રેકિંગનો ટ્રેન્ડ શરું થયો છે. વરસાદની સિઝન પુરી થયા બાદ તમિલનાડું – કેરાલા રાજયોની નદિઓમાં કમર સુધીના પાણીમાં લોકો ટ્રેકિંગ કરવા જાય છે. જો કે આ પ્રકારનું ટ્રેકિંગ ખુબ જ ટૂંકું હોય છે અને અમુક વખત પાણીના જીવજંતુઓનો પણ ભય રહે છે. આ બંને પ્રકારના ટ્રેકિંગનું આયોજન એક દિવસીય કરી શકાય છે. વધારે દિવસો આપવાને કોઈ અવકાશ નથી.

જંગલ ટ્રેકિંગ :

જંગલ ટ્રેકિંગ એટલે જંગલમાં કરવામાં આવતું ટ્રેકિંગ – કેમ્પીંગ છે. જંગલ આપણને દરેક જગ્યાએ જોવા મળે છે. જંગલમાં અમુક પ્રકારના પ્રાણીઓ, વનસ્પતિઓ, ઝરણાઓ વગેરે વસ્તુઓ જોવા મળે છે. જંગલ ટ્રેકિંગમાં 5-50 કીમીનો રુટ ટ્રેકિંગ માટે પસંદ કરી શકાય છે. ગુજરાતમાં કેટલી જગ્યાએ જંગલો આવેલા છે. જેમાં અમુક જંગલોમાં રાત્રિ રોકાણ પર પ્રતિબંધ છે. જો કે ભારતના અન્ય જંગલો કે જેમાં હિંસક પ્રાણીઓ નહિવત છે એવા જંગલો રાત્રિ રોકાણ અને ટ્રેકિંગ માટે ખુલ્લા છે. ગુજરાતમાં ડાંગ, ગિરનાર, બરડા, પોલો, બાકોર જેવી અસંખ્ય જંગલ ટ્રેકિંગ સાઈટ આવેલી છે. જયાં સવારથી સાંજ સુધીનું ટ્રેકિંગ કરવાની મંજુરી છે. જંગલમાં ટ્રેકિંગ માટે શિયાળો અને ચોમાસાની ઋતુ સૌથી સારો સમય છે.

પહાડોમાં ટ્રેકિંગ :

પહાડોમાં ટ્રેકિંગ અને પર્વતારોહણ આ બંને વસ્તું તદન અલગ છે. ઘણા લોકો આ બંને વસ્તુંને એક જ નજરથી જોતા હોય છે. પહાડોમાં ટ્રેકિંગ માટે ગુજરાતમાં ટ્રેકિંગ સાઈટ નહિવત છે. ગિરનાર, ચોટીલા, પાવાગઢ, કાળો ડુંગર વગેરે પહાડો આવેલા છે પણ એમાં ટ્રેકીંગ કરી શકાય એમ નથી. આ બધા પહાડો પર ધાર્મિક સ્થાનો આવેલા છે જેના માટે પગથિયા અને રોપ વેની સુવિધાઓ છે. જો કે ભારતમાં હિમાલય, મહારાષ્ટ્રના કિલ્લાઓ, મુન્નાર, કોડાઈ કેનાલ વગેરે જેવા અગત્યના ટ્રેકિંગ સ્થળો આવેલા છે. હિમાલય એટલે કશ્મીર, હિમાચલ, ઉત્તરાખંડ, નોર્થ – ઈસ્ટના રાજયો વગેરેમાં હિમાલયની પહાડીઓ પથરાયેલી છે. હિમાલયની પહાડીઓમાં 3-8 દિવસના ટ્રેકિંગનું આયોજન કરી શકાય છે. જેમાં મહત્તમ 15 હજાર ફુટની ઉંચાઈ સુધી જઈ શકાય છે.

ત્યાર બાદની ઉંચાઈ સુધી જવા માટેનું ક્ષેત્ર પર્વતારોહણ કહેવાય છે. જેમાં મજબૂત શારીરીક શક્તિ ઉપરાંત અમુક પ્રકારના સાધનોની મદદ લેવી પડે છે. હિમાલયની પહાડીઓમાં અત્યારે કેટલીય સંસ્થાઓ અને પ્રાઈવેટ કંપનીઓ ટ્રેકિંગના આયોજન કરે છે. હિમાલયમાં અમુક ક્ષેત્રોમાં બારેમાસ ટ્રેકિંગ કરી શકાય છે તો અમુક જગ્યાઓ શિયાળામાં ભારે હિમવર્ષાને પગલે બંધ કરી દેવાય છે. મહારાષ્ટ્રના કિલ્લાઓ અને સાઉથના રાજયોમાં બારેમાસ ટ્રેકિંગ કરી શકાય છે પણ ચોમાસાની ઋતું લોકોને સૌથી વધારે લોકોને આકર્ષે છે. ઉપરાંત ગોવાના જંગલો પણ ટ્રેકિંગ અને કેમ્પીંગ માટે ખુબ જ વિખ્યાત છે.

તો મિત્રો આ હતી ટ્રેકિંગ અંગેની થોડીક જાણકારી. જેમાં તમે તમારા સમય અને શારિરીક ક્ષમતા મુજબ ટ્રેકિંગનું આયોજન કરી શકો છો. વર્તમાન સમયમાં ટ્રેકિંગ માટેના આયોજન કરતી અસંખ્ય એજન્સીઓ સોશિયલ મીડીયા અને ઈન્ટરનેટના માધ્યમથી જ પોતાનો બિઝનેસ ચલાવે છે. જેમાં તમે તમારી અનુકૂળતા મુજબ પ્લાનિંગ કરીને બુકીંગ કરાવી શકો છો. થોડો ઘણો અનુભવ લીધા બાદ તમે તમારી રીતે પણ આયોજન ઘડી શકો છો. યાદ રહે કે ટ્રેકિંગમાં રીસોર્ટ કે મોંઘીદાટ હોટલો અને એસી કાર જેવી સુવિધાઓ નથી હોતી, પણ ટ્રેકિંગમાં તમે કુદરતના નયનરમ્ય સૌંદર્યને ચોક્કસ માણી શકો છો.

જયાં વાહન પહોંચે ત્યાં કુદરતી સૌંદર્ય નથી હોતું અને જયાં કુદરતી સૌંદર્ય હોય ત્યાં વાહન નથી પહોંચી શકતું.