શિયાળાની સૌથી સ્વાદિષ્ઠ વાનગી ઉંબાડિયું એટલે કે ઊંધા માટલામાં બનતું ઊંધિયું, જાણો એની રેસીપી

0
11381

શિયાળામાં ગરમા ગરમ પકવાન ખાવાની ઘણી મજા આવે છે. એમાં સૌથી વધારે મજા ઊંધિયું ખાવાની આવે છે. તમારા માંથી ઘણાએ ‘ઉંબાડીયું’ નામ સાંભળ્યું હશે અને ઘણાએ નહિ સાંભળ્યું હોય. કારણ કે આ નામ વાપી, વલસાડ તરફની શિયાળાની ખાસ વાનગીનું છે. જો નવસારીથી વાપી તરફ જઈએ તો રસ્તામાં એના ઘણા બધા સ્ટોલ લાગેલાં જોવા મળે. ત્યાં લોકો ભરપેટ ઉંબાડીયું ખાતા જોવાં મળે છે. આ ઉંબાડિયું એટલે એક પ્રકારનું ઊંધિયું. આપણે ઊંધિયું ઘરે કુકરમાં બનાવતા હોઈએ છીએ, જયારે આ લોકો માટલામાં બનાવે છે.

રજાના દિવસોમાં મિત્રો અને પરિવાર વાળા સાથે ખેતરોમાં અને વાડીઓમાં એના માટે ખાસ પ્રોગ્રામ પણ ગોઠવાય છે. ઘણાં શોખીન લોકો એને ઘેર પણ બનાવે છે. મિત્રો ઉંબાડીયું બનાવવાની રીત થોડી અલગ હોય છે. એના માટે જમીનમાં એકાદ ફૂટનો ખાડો ખોદી એમાં છાણાં ગોઠવવામાં આવે છે. ત્યારબાદ તેનાં પર શાકથી ભરેલું માટલું ઉપરથી બંધ કરીને ઊંધું મૂકી દેવામાં આવે છે, અને તેમાં પણ પાછો બળતણનો થર કરીને તેને ૩૫-૪૦ મિનિટ સુધી પકવવામાં આવે છે. આ રીતે તૈયાર થાય છે એક સ્વાદિષ્ઠ વાનગી ઉંબાડિયું.

ઉંબાડિયું બનાવવા માટે જરૂરી સામગ્રી :

પાપડી (ત્રણદાણા વાળી)

લીલી મરચી

આદુ-મરચાં

સુરતી કંદ ૫૦૦ ગ્રામ

અજમો ૩૦૦ ગ્રામ

આંબા હળદરની બનેલી ચટણી ૫૦૦ ગ્રામ

મિડિયમ સાઈઝના બટાકા ૫૦૦ ગ્રામ

શક્કરિયા એક કિલો

કોથમરી

ફુદીનો

લીલી હળદર

મીઠું સ્વાદાનુસાર

સૂરણ ૫૦૦ ગ્રામ

ઉંબાડિયું બનાવવાની રીત :

તો જાણીએ એને કઈ રીતે બનાવવાનું છે. સૌથી પહેલા તમારે નાના બટેટા આવે છે એ માપના બધા શાકના કટકા કરી લેવાના છે. અને તેમાં કાપ મુકીને ચટણી ભરી દેવાની છે. બીજી તરફ એક ભીના ટુવાલમાં તમારે પાપડીને થોડીવાર માટે પોટલી બાંધીને રાખવાની છે. આમ કરવાનું કારણ એને થોડો ભેજ મળે એ હોય છે. ત્યારબાદ પાપડીમાં પણ ચટણી ભેળવવાની રહેશે. હવે બધા શાક બરાબર મિક્સ કરી તેમાં હથેળીમાં સમાય તેટલું જ તેલ, અજમો અને મીઠું (સ્વાદ અનુસાર) ભભરાવી બરાબર હલાવી લો.

બીજી તરફ તૂટેલું ન હોય તેવું એક માટલું લઈને તેની બહારની બાજુએ માટીનું લીપણ કરી દો. અને હવે આ માટલામાં અંદર તળીયે ક્લાર નામની વનસ્પતિ ભરપૂર માત્રામાં પાથરી દો. આજ રીતે તમારે માટલાની અંદરની દિવાલે ક્લાર પાથરતા જઈ વચ્ચે બધાં શાક ભરી દેવાં. ઉંબાડીયું બધા શાકમાં રહેલ ભેજને કારણે બફાશે.

તેલ, મીઠું તથા અજમાનું મિશ્રણ શાકનો ભેજ છોડાવવામાં પણ મદદરૂપ થાય છે. હવે તે માટલામાં ઊપરની બાજુથી થોડી વધારે ક્લાર પાથરીને માટલું તૈયાર કરેલા ખાડામાં ઊંધું મુકી દો. હવે આ માટલાની ઊપરની બાજુએ છાણાં અને કરગઠિયા ગોઠવી દેવતા તૈયાર કરો. ધ્યાન રાખો કે શરૂઆતમાં તાપ થોડો વધારે રાખવાનો છે અને બાદમાં ૧૦ મિનિટ પછી તેને મધ્યમ કરી દેવાનો આ રીતે આશરે ૪૦ મિનિટમાં ઉંબાડીયું તૈયાર થઈ જશે. માટલું ખૂબ જ ગરમ હશે, તેથી તેને થોડું ઠંડુ થવા દઈ ધ્યાનથી બહાર કાઢી લો. તમારું ઉંબાડીયું ગરમ ગરમ પીરસવા માટે તૈયાર છે.