મહિલા શક્તિ : મહેસાણાની મહિલા ખેડૂતે મેળવી સિદ્ધી, ડોઢ વિઘા જમીન માંથી કરી 5 લાખની આવક

0
3665

સરકાર દ્વારા મહિલા સશક્તિકરણ કરવાની કામગીરી થતી જ રહે છે. એનો મુખ્ય ધ્યેય મહિલાઓને પુરુષ સમોવડી કરવાનો છે. જો દેશની મહિલા સુશિક્ષિત અને સશક્ત હોય તો દેશ બમણી ઝડપે પ્રગતિ કરી શકે છે. અને જમાનાની સાથે સાથે આપણા દેશની મહિલાઓ પણ અપડેટ થવા લાગી છે.

પહેલા જયારે દેશમાં શિક્ષિત મહિલાઓની સંખ્યા ઓછી હતી, તે હવે વધવા લાગી છે. મહિલાઓ ઘરના રસોડા માંથી બહાર આવી એન્જીનિયરીંગ, મેડીકલ, કન્સ્ટ્રકશન, ખેતી, સિવિલ સર્વિસ, પોલીટીક્સ, એરો સ્પેસ, માર્કેટિંગ તેમજ આર્મી વગેરે દરેક ક્ષેત્રમાં પોતાનું સ્થાન મેળવી રહી છે.

આજે આપણા દેશમાં ટોચના ડોક્ટર, એન્જિનીયર, નેતા, આઈએએસ, આઈપીએસ, મેજર વગેરે જેવા ઘણાય સ્થાનો પર મહિલાઓ ફરજ બજાવી રહી છે. એ નારી શક્તિનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડે છે. અને આજે અમે એવી જ એક મહિલા વિષે તમને જણાવીશું જેમણે પોતાના કામથી દેશની મહિલાઓ માટે એક ઉદાહરણ પૂરું પાડયું છે. એ મહિલા છે ગુજરાતના મહેસાણાની. અને તે એક ખેડૂત છે. એમનું નામ છે સરોજબેન પટેલ. આવો તમને એમના વિષે થોડી માહિતી આપીએ.

તો મિત્રો મહેસાણાની એક ખેડૂત મહિલાએ બીજી મહિલાઓને એક નવો રાહ ચીંધ્યો છે. તે માત્ર દોઢ વિઘા જમીનમાં આધુનિક પદ્ધતિથી ખેતી કરીને 5 લાખ કરતા વધુની આવક કરી રહ્યા છે. એમના આ કામ માટે સમાજે અને સરકારે તેમને અનેક પ્રોત્સાહન પુરા પડ્યા છે, અને એમને એવોર્ડથી પણ સમ્માનિત કર્યા છે. તમારી જાણકારી માટે જણાવી દઈએ કે હાલમાં સરોજબેને આશરે 1.5 ટન કાકડી પકવીને તેમને સમાજને એક નવો રાહ ચીંધ્યો છે.

ગુજરાતમાં મહેસાણાની નજીકનાં છે મોટીદાઉ ગામ. અને આ ગામના સરોજબેન પટેલ દેશનાં સફળ મહિલા ખેડૂત બન્યાં છે. ખેતીમાં નવિન પ્રયોગો અને સંઘર્ષમય સફળતા હાંસલ કરનારી દેશની 50 મહિલાઓ પૈકી એમનું પણ સન્માન થયું છે. જણાવી દઈએ કે દિલ્હી ખાતે કેન્દ્રિય કૃષિમંત્રીના હસ્તે તેમને “મહિલા કિસાન એવોર્ડ” થી સન્માન કરવામાં આવ્યા છે. તેમજ રાજ્ય સરકારે તેમને તાલુકા સહિત જિલ્લા અને રાજ્યના “બેસ્ટ મહિલા ખેડૂત” નો એવોર્ડ પણ આપ્યો છે.

એમના ભણતરની વાત કરીએ તો સરોજબેન પટેલ એમ.એ એફિલ સહિત બી.એડનો આભ્યાસ કરી હાલમાં પોતાના ખેતરમાં એક સારા શિક્ષકની ભૂમિકા અદા કરે છે. એમની ખાસ વાત એ છે કે મહેસાણામાં તેમની ખેતીના પાક માટે વેપારી પણ થનગની જાય છે. હાલમાં જ દિલ્લીમાં દેશમાં ખેતીમાં સફળ મહિલાઓની જીવનગાથાનો એક રિયાલીટી શો યોજાયો હતો. જેમાં પણ 81 માર્ક્સ સાથે સરોજબેનની પસંદગી ગુજરાતમાં પ્રથમ રહી હતી. મહિલા ખેડૂત તરીકે નામના ધરાવતા સરોજબેન પટેલ ગ્રીનહાઉસમાં ખેતી કરી રહ્યાં છે.

સરોજબેને એક એકર જમીનમાં ટપક સિંચાઈ પદ્ધતિથી કાકડીનું વાવેતર કરીને કુલ દોઢ ટન ઉત્પાદન મેળવીને બીજા રાઉન્ડમાં ફરી વાવેતર કર્યુ છે. તેમણે જાત અનુભવ થકી કાકડીનું ઉત્પાદન શરૂ કર્યુ છે. સરોજબેને એક એકરમાં વાવતેર પછી આ બીજા ઉતારામાં પણ દોઢ ટન કાકડી થઇ છે.

તે આ કાકડીના કિલોએ રૂ.20 થી 35 સુધી ભાવ મેળવી રહ્યા છે. ખેતીમાં વૈજ્ઞાનિક અભિગમ અપનાવી વૈવિધ્ય પાક ઉત્પાદન કરતાં સરોજબેનને ખેતીમાં સફળતા બદલ દિલ્હીમાં કૃષિમંત્રી રાધામોહન તેમજ રૂપાલાના હસ્તે એવોર્ડ આપવામાં આવ્યો છે.

દેશમાં એક તરફ આજે ખેડૂતો દેવાના ડુંગર નીચે આવી ગયા છે, તેવામાં આજે મહિલા ખેતી ન કરી શકવા માટે ટેવાયેલા સભ્ય સમાજને સરોજબેન મહિલા ખેડૂતની નામના મેળવીને સમાજને એક નવો માર્ગ આપી રહ્યા છે. બીજી તરફ સરોજબેન વર્ષે 5 લાખ કરતા વધુની આવક મેળવીને એક નવો માર્ગ બીજી મહિલાને આપી રહ્યા છે.